કેન્દ્રીય કર્મચારીના પરિવારને રાહત; ફેમિલી પેન્શનના નિયમમાં ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને એના પરિવારના સભ્યોને વિવિધ પ્રકારનું પેન્શન આપે છે. ફેમિલી પેન્શન યોજના, 1971 હેઠળ કેન્દ્ર સરકાર તેના એવા કર્મચારીના ફેમિલીના સભ્યને પેન્શન આપે છે, જેનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય. આ પહેલા સાતમા પગાર પંચના નિયમો હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ફેમિલીના સભ્યોને સામાન્ય પારિવારિક પેન્શન આપવામાં આવ્યું હોય, જેમનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય અને એ કર્મચારીનો નોકરીનો સમયગાળો સાત વર્ષથી વધુ રહ્યો હોય. પરંતુ હવે ફેમિલી પેન્શન સ્કીમ 1971માં 54મા સુધારાના માધ્યમથી કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના એ લાભાર્થીઓ માટે ફેમિલી પેન્શનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેમનું નોકરીના સાત વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હોય.

બદલાયેલા નિયમ

બદલાયેલા ફેમિલી પેન્શનના નિયમો અનુસાર સાત વર્ષની નોકરી પૂરી કર્યા પહેલાં નિધન પામેલા સરકારી કર્મચારીનું ફેમિલી સાતમા પગાર પંચના નિયમો અનુસાર હવે 10 વર્ષ માટે સદ્દગત કર્મચારીના આખરી પગારની 50 ટકા રકમ પેન્શન માટે હકદાર બનશે. એનાથી પહેલાં તેમના મૃત્યુના મામલામાં, કમસે કમ સાત વર્ષની સર્વિસવાળા સરકારી કર્મચારીઓના પરિવારોને પેન્શનના રૂપમાં આખરી પગારની રકમના 50 ટકા રકમ પેન્શન મળતું હતું. હવે એવા કર્મચારીઓ, કે જેમણે સાત વર્ષથી પણ ઓછી સર્વિસ કરી હશે, તેના ફેમિલીને કર્મચારીના આખરી પગારની 30 ટકા રકમ પેન્શન સ્વરૂપે મળશે.

ફેમિલી પેન્શનનો નિયમ જણાવે છે કે ફેમિલી પેન્શન મુખ્યત્વે કેન્દ્ર સરકારના એવા કર્મચારીની વિધવા અથવા વિધુરને આપવામાં આવે છે, જેનું નોકરીના કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય. કેન્દ્ર સરકારી કર્મચારીનું મૃત્યુના સમયે તેના 25 વર્ષથી નીચેની વયનાં સંતાનો ફેમિલી પેન્શનને પાત્ર બને છે. આ ફેમિલી પેન્શન એવા સંતાનોને આપવામાં  આવે છે, જ્યાં સુધી તેમનાં લગ્ન ના થાય અથવા તેમની માસિક આવક રૂ. 9000થી વધે નહીં. અવિવાહિત પુત્રી, વિધવા પુત્રી અથવા મૃતક કર્મચારીની છૂટાછેડા લેનાર પુત્રી પણ ફેમિલી પેન્શનને પાત્ર બને છે.