નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,252 નવા કેસ સામે આવ્યા છે અને 467 લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા સાત લાખને પાર થઈ ગઈ છે. દેશમાં સતત પાચમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,19,665 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 20,160 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,34,947 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,59,557એ પહોંચી છે. રિકવરી રેટ 61 ટકાને પાર પહોંચ્યો છે.
અનલોક-1માં કોરોના રોગચાળાથી મોતમાં 60 ટકાનો વધારો
કોરોનાને કારણે માર્ચ મહિનાથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે મે મહિના સુધી લાગુ હતું. દેશમાં માર્ચથી મેના અંત સુધીમાં કોરોનાથી 5500 લોકોનાં મોત થયાં હતાં, પણ સરકારે પહેલી જૂનથી અનલોક-એક કર્યું હતું, પણ અનલોક જેવું શરૂ થયું ત્યારે પહેલી જૂને કોરોનાથી મોતનો આંકડો 5,606 હતો, પણ જૂનના અંત સુધીમાં એ વધીને 17,409 થયા હતા. આમ જૂનના એક મહિનામાં કોરોના રોગચાળાથી 11,803 લોકોનાં મોત થયાં હતાં. આમ અનલોક-1માં કોરોનાથી થતા મોતમાં 60 ટકાનો વધારો થયો હતો. જૂનના મહિનામાં કોરોના કેસો બમણા કરતાં વધુ નોંધાયા હતા.
વિશ્વમાં કોરોનાથી 1.16 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,37,971 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,16,15,433એ પહોંચી છે. વિશ્વમાં હાલ કોરોના સંક્રમિત સક્રિય કેસોની સંખ્યા 47,78,209એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.