ગુરદાસપુર (પંજાબ) – અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ આજે એક માર્ગ અકસ્માતમાં ઈજામાંથી બચી ગયા છે. એ અકસ્માતમાં ત્રણ કાર અથડાઈ હતી.
ભાજપના ઉમેદવાર સની દેઓલ ગુરદાસપુર જિલ્લાના સોહલ ગામમાં એક ગુરુદ્વાર નજીક એમની સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયૂવી) કારમાં હતા ત્યારે કારનું એક ટાયર ફાટ્યું હતું. પરિણામે અકસ્માત સર્જાયો હતો. કુલ ચાર વાહન એકબીજા સાથે અથડાયાં હતાં. દેઓનો કાફલો ફતેહગઢ ચુરિયાં તરફ જતો હતો. ત્યાં દેઓલને ચૂંટણી માટે પ્રચાર કરવાનો હતો.
અકસ્માતમાં અથડાયેલા ચારમાંનું એક વાહન એક ગામવાસીનું હતું જ્યારે બાકીના વાહનો દેઓલના કાફલાનો હિસ્સો હતા.
સદ્દભાગ્યે અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી.
અકસ્માત બાદ સની દેઓલે ફતેહગઢ ચુરિયાં તરફ એમની સફર ચાલુ રાખી હતી.
ગુરદાસપુર લોકસભા બેઠક પર સની દેઓલનો સામનો છે કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય સુનીલ જાખડ સાથે, જેઓ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સ્વ. બલરામ જાખડના પુત્ર છે.