લોકડાઉનમાં વર્ચુઅલ ટ્રાવેલ થકી કરો વિશ્વની સફર!

નવી દિલ્હી: કોરોના જેવી અણધારી આફતને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને પગલે આ વર્ષે ઉનાળામાં પરિવાર સાથે બહાર ફરવા જવાની યોજના પર પાણી ફરી વળ્યું છે. તમે આ વર્ષે પરિવાર સાથે ક્યાય બહાર ફરવા ન જઈ શકો તો જરા પણ ચિંતા ન કરશો. તમે વર્ચુઅલ ટ્રાવેલ તો કરી જ શકો છો…

વર્ચુઅલ ટ્રાવેલ માટે તમારે ટ્રાવેલર્સના બ્લોગ્સ પર જવાનું રહેશે. જ્યાંથી તમે અલગ અલગ સ્થળોની સુંદર તસવીરોની સાથે એ રમણિય સ્થળોના વિડિયો પણ જોવા મળશે જેને જોઈને તમે દંગ રહી જશો. આ બધુ જોઈને તમને ફરવા જવાનો વાસ્તવિક આનંદ મળી જશે. આ ઉપરાંત બ્લોગર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમને તસવીરોની સાથે સાથે આસપાસના માહોલની ઓડિયો દ્વારા માહિતી પણ મળશે.

અહીં એક વાત યાદ રાખો આ ખરાબ સમય પણ પસાર થઈ જશે. આપણે આપણી જાતને ભવિષ્ય માટે તૈયાર રાખવી પડશે. બ્લોગર અને ટ્રાવેલર ઉપરાંત ઘણા દેશોના પ્રવાસન વિભાગ દ્વારા પણ વર્ચુઅલ ટૂર કરાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ અબુધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે પણ એક નવું વર્ચુઅલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેમાં લોકોને ત્યાંની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે પણ “દેખો અપના દેશ” નામથી એક વેબિનાર શરુ કર્યો છે.

મિત્રો ક્યાંક ઢળતી સાંજે ગ્રીસની તસવીર તો ક્યાંક ઈટલીની ચમકદાર સવારનો નજારો તો ક્યાંક લંડનમાં ખિલી ઉઠેલા ફુલોની વચ્ચે પસાર થતો દિવસ. તો રાહ શેની જૂઓ છો….તમારા સ્માર્ટફોન પર જ કરો દુનિયાના અદભૂદ નજારાનું વર્ચુઅલ ટ્રાવેલ અને માણો પ્રકૃતિના રંગોને તમારી નરી આંખો થી!