નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી વચ્ચે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બંન્ને વચ્ચે આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી, નવા વર્ષમાં બંન્ને વચ્ચેની આ પ્રથમ મુલાકાતને સામાન્ય મુલાકાતનું નામ આપવામાં આવી રહ્યું છે. જો કે ચર્ચા એ પણ છે કે બંન્ને વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા થઈ છે.
આ મુલાકાત દિલ્હીમાં માયાવતીના આવાસ પર થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મુલાકાતમાં યૂપીમાં લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણી પર ચર્ચા થઈ. બંન્ને વચ્ચે સીટોના નવા ફોર્મ્યુલા પર વાત થઈ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની 35 સીટો પર અને બસપા 36 સીટો પર ચૂંટણી લડી શકે છે.
તો 3 સીટો અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળને આપવા અને 4 સીટો રિઝર્વ રાખવા પર સહમતિ બની છે. જોકે અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન કોઈ ઉમેદવાર નહી ઉતારે. આપને જણાવી દઈએ કે અમેઠીથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે અને રાયબરેલીથી યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાંસદ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ યૂપીમાં માત્ર આ બે જ સીટ જીતવામાં સફળ રહી હતી.
આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધારે 80 સીટો છે. ગત દિવસોમાં થયેલી લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનને મળેલી જીતને જોતા એ નક્કી માનવામાં આવી રહ્યું છે બંન્ને પાર્ટિઓ મળીને ચૂંટણી લડશે. પરંતુ આ બેઠકમાં માત્ર વાત સીટોને વહેંચણી પર અટકી રહી હતી.
સામાન્ય રીતે ગઠબંધનને લઈને જે ફોર્મ્યુલા નક્કી થાય છે તેમાં જે સીટ પર જેનું વર્ચસ્વ હોય તેને જ તે સીટ મળે છે. 16મી લોકસભામાં અત્યારે સપાના 7 સાંસદ છે. 2014માં થયેલી ચૂંટણીમાં સપા 31 સીટો પર બીજા સ્થાન પર રહી હતી.
આ નવા ફોર્મ્યુલા અંતર્ગત માનવામાં આવી રહ્યું હતું કે સપા 38 સીટ અને બસપા 34 સીટો પર ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે જે નવી ફોર્મ્યુલા સામે આવી રહી છે તે અનુસાર સપા 35 અને બસપા 36 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.