લખનૌઃ બસપા સુપ્રિમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંન્ને પાર્ટીઓના ગઠબંધનને લઈને જાહેરાત કરવામાં આવી છે. માયાવતીએ સપા અને બસપાના ગઠબંધન અંગે જાહેરાત કરતા જણાવ્યું કે આગામી લોકસભા 2019ની ચૂંટણીમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યું છે. અને ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા સીટો પૈકી એસપી અને બીએસપી બંન્ને પક્ષ 38-38 સીટો પરથી ચૂંટણી લડશે. અને અન્ય ચાર સીટો બીજી સહયોગી પાર્ટીઓ માટે રાખવામાં આવી છે.
બસપા સુપ્રિમો માયાવતીએ પ્રેસ કોન્ફરન્સની શરુઆતમાં જણાવ્યું કે આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવનારી પ્રેસ કોન્ફરન્સ છે. જનહિતમાં સપા અને બસપા ગઠબંધન થયું છે. બીજેપીના તાનાશાહી વલણથી જનતા પરેશાન છે. માયાવતીએ જણાવ્યું કે બીજેપી અને કોંગ્રેસ એક જેવી જ પાર્ટી છે, જેથી અમે કોંગ્રેસને આ ગઠબંધનથી દૂર રાખી છે. માયાવતીએ જણાવ્યું કે અમે (બીએસપી-એસપી) આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે, જે દેશને નવી રાજકીય ક્રાંતિ તરફ દોરી જશે.
માયાવતીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપાએ પહેલાની જેમ ઈવીએમમાં ગડબડ ન કરી અને રામ મંદિર જેવા મુદ્દાઓથી ધાર્મિક ભાવનાઓને ન ભડકાવી તો બીજેપી એન્ડ કંપનીને અમે જરુર સત્તામાં આવતા રોકીશું. માયાવતીએ જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ઘોષિત ઈમરજન્સી લાગુ થઈ હતી અને બીજેપીના રાજમાં અઘોષિત ઈમરજન્સી લાગુ થઈ છે. સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને પ્રભાવી વિરોધીઓ જૂના મુકદ્દમા ઉખાડીને પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસ સાથે સપા બસપા ગઠબંધનનો કોઈ ખાસ ફાયદો ન થાય. અમારા વોટ તો ટ્રાંસફર થઈ જાય છે પરંતુ કોંગ્રેસના વોટ ટ્રાન્સફર નથી થતા અથવા અંદરની રણનીતિ અંતર્ગત ક્યાંક બીજે કરાવી દેવામાં આવે છે.
કોંગ્રેસને ગઠબંધનમાં શામિલ કેમ ન કરવામાં આવી તે અંગે માયાવતીએ જણાવ્યું કે દેશની આઝાદી બાદ એક જ પાર્ટીએ ઘણા સમય સુધી રાજ કર્યું પરંતુ એમની રાજનીતિમાં ગરીબીમાં વધારો થયો છે અને બીજેપી અને કોંગ્રેસની કાર્યશૈલી અને વિચારધારા એક જેવી જ નજર આવે છે.
માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું કે લોકસભા અને વિધાનસભામાં બીજેપીએ બેઈમાની કરીને સરકાર બનાવી છે. આવનારા સમયમાં 2019માં થયેલા આ ગઠબંધનને એક પ્રકારે નવો રાજનૈતિક ક્રાંતિનો સમય માનવામાં આવશે.
માયાવતીને પીએમ પદના દાવેદાર માનવા અંગે અખિલેશે જણાવ્યું કે, જો દેશના વડાપ્રધાન ઉત્તર પ્રદેશથી હોય, તો મને જરૂર ખુશી થશે. હું આના માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. વધુમાં કહ્યું કે, બીજેપીના રાજકીય નેતૃત્વના ઈશારે જ મારી સામે સીબીઆઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે.