નવી દિલ્હી: બોલિવુડ એક્ટર અને નેતા શત્રુઘ્ન સિન્હાએ અયોધ્યા નિર્ણયના દિવસને લઈને એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, જે દિવસે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો તે દિવસે તેમની મુલાકાત હાર્દિક પટેલ સાથે થઈ હતી.
આ મુલાકાતને લઈને શત્રુઘ્ન સિન્હાએ લખ્યું કે, શું રંધાઈ રહ્યું છે? રામ જન્મભૂમિના ચૂકાદાના મહત્વના દિવસે ગુજરાતનું ગૌરવ, ધરતી પુત્ર, દેશના યુથ આઈકન અને જાણીતા હાર્દિક પટેલ મને મળવા આવ્યાં. સુપ્રીમના ચૂકાદાની ઉજવણી કરવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે.
શત્રુઘ્ન સિન્હાનું આ ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ ઉપરાંત એક્ટરે એક અન્ય ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું કે, ‘આ એક સમ્માન અને ખુશીની વાત હતી કે હાર્દિક પટેલ જેવો વ્યક્તિ આમારી સાથે હતા, અમારી વિચારધાર એક સરખી છે. અમને હાર્દિક પટેલથી મોટી આશા છે. જય ગુજરાત, જય બિહાર, જય હિન્દ’. શત્રુઘ્ન સિન્હાના આ ટ્વીટ પર લોકો કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે શનિવારે વિવાદિત જમીન પર રામલલાના હક્કમાં ચૂકાદો આપ્યો. સુપ્રીમે તેમના ચૂકાદામાં કહ્યું કે, રામ મંદિર વિવાદિત સ્થળ પર જ બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યમાં 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને મંદિર બનાવવા માટે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય પીઠે નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડના દાવાને નકારી કાઢ્યા છે.