નવી દિલ્હીઃ સામાન્ય રીતે ગાડી કે સ્કૂટર કે અન્ય કોઈ વાહનનું ચલણ કપાય, ત્યારે વાહનચાલક સાવધાન થઈ જાય છે, પછી તે ટ્રાફિક નિયમો તોડવાથી બચવાના પ્રયાસ કરે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક સ્કૂટીમાલિકે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં કોઈ કસર નથી છોડી. અહીં સ્કૂટીમાલિકે એક-બે વાર નહીં પણ 70 વાર ચલણ કપાયું છે. વાહનચાલકે અત્યાર સુધી એક પણ વાર ચલણ નથી ભર્યું.
આ મામલાને જોતાં ટ્રાફિક વિભાગે 10 એવાં વાહનોનું લિસ્ટ બનાવ્યું છે, જેમણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસ આવાં વાહનોને નોટિસ મોકલવાની તૈયારમાં છે. ચલણ નહીં ભરવા પર વાહનોને જપ્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિસી અનુસાર એ સ્કૂટી UP 53 DW 0524 નંબરથી રજિસ્ટર્ડ છે. એ સ્કૂટીનું ગયા વર્ષે 37 વાર ચલણ કપાયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધી 33 વાર ચલણ કપાઈ ચૂક્યું છે. આ સ્કૂટીનાં લાલ લાઇટ જમ્પ કરવાની સાથે હેલ્મેટ નહીં પહેરવા માટે ચલણ કપાયાં હતા.
આ સ્કૂટીની કિંમત રૂ. 85,000 છે, જ્યારે અત્યાર સુધી એનાં ચલણ રૂ. 70,500ના કપાઈ ચૂક્યાં છે. આટલું નહીં, નવ અન્ય લોકો પણ આ લિસ્ટમાં સામેલ છે. એમાંથી કેટલાક એવા છે કે જેમનાં 50 વારથી વધુ ચલણ કપાઈ ચૂક્યાં છે. જોકે સૌથી વધુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્કૂટી પહેલા નંબરે છે. ત્યાર બાદ બુલેટ અને રેસર બાઇક છે. ગોરખપુરમાં ટ્રાફિક જેમથી છુટકારો મેળવવા માટે પોલીસ વહીવટી તંત્રએ ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા છે. આ સિગ્નલો પર કેમેરા લગાવવામાં આવ્યા છે.