ઉન્નાવ: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર રેપ કેસમાં આરોપી છે. પણ ભાજપા સાંસદ સાક્ષી મહારાજને સેંગર પ્રત્યે કંઈક વિશેષ લાગણી હોય તેવું લાગી રહ્યું છે તે અવારનવાર કુલદીપ સેંગર પ્રત્યે સહાનુભૂતિ દાખવતા જોવા મળે છે. હવે સાક્ષી મહારાજે કુલદીપ સેંગરને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિશાન સાધ્યું છે. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે, જ્યારે કાયદો બનાવનાર જ આરોપીઓનો પક્ષ લેશે તો ગુનેગારો સામે લડવાનું સાહસ કોણ આપશે?
ઉન્નાવથી ભાજપા સાંસદ સાક્ષી મહારાજે તેમના ટ્વિટર પરથી એક શ્લોક લખીને કુલદીપને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી જીત્યા પછી સાક્ષી મહારાજ જેલમાં બંધ કુલદીપ સેંગરને મળવા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, કુલદીપ સેંગર ઉન્નાવની બાંગરમઉ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. એક છોકરી પર રેપના આરોપમાં તેમની સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે અને તેમની સાથે અન્ય આરોપીઓ પણ જેલમાં છે. હાલમાં જ તેના ભાઈના મોત પછી સેંગર પેરોલ પર બહાર આવ્યો હતો. એ સમયે અનેક સ્થાનિક નેતા અને ભાજપના ધારાસભ્ય તેમના પ્રતિ સહાનુભૂતિ દર્શાવવા પહોંચ્યા હતા.