તેલંગાણા એન્કાઉન્ટરઃ માનવ અધિકાર આયોગે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીઃ NHRC (રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ) દ્વારા હૈદરાબાદમાં રેપના આરોપીઓના એન્કાઉન્ટર મામલે નોંધ લેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર NHRC એ પોતાના ડિરેક્ટર જનરલને આદેશ આપ્યો છે કે એસએસપીની અધ્યક્ષતામાં આ મામલાના ફેક્ટ ફાઈન્ડિંગ માટે તુરંત જ એક ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવે અને જલ્દીથી જલ્દી આ મામલે રિપોર્ટ આપવામાં આવે. NHRC ની નોટિસ પર સાઈબરાબાદના પોલીસ કમિશનર વી. સી. સજ્જનારે કહ્યું છે કે અમે NHRC ના પ્રશ્નોનો જવાબ આપીશું. ઉલ્લેખનીય છે કે ઘટના બાદથી ઘણા લોકો દ્વારા આ મામલે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને આ દરમિયાન પોલીસ દ્વારા થયેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયા. આ મામલે ખુશી વ્યક્ત કરતા પીડિતાના પિતાએ કહ્યું કે હવે મારી દિકરીના આત્માને શાંતિ મળી હશે. તો નિર્ભયાની માતાએ પણ આના વખાણ કર્યા છે અને પોતાની દિકરીના કેસમાં ન્યાયની માંગણી કરી છે.

દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે કોર્ટે આ લોકોને છ મહિનામાં ફાંસી પર લટકાવી દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે આ લોકોએ મહિલા ડોક્ટરને ટોલ બૂથ પર સ્કૂટી પાર્ક કરતા જોઈ હતી. આરોપ છે કે આ લોકોએ જાણી જોઈને તેના સ્કૂટીમાં પંચર કરી દીધું હતું. ત્યારબાદ મદદ કરવાના બહાને પીડિતાને એક અવાવરુ જગ્યા પર લઈ ગયા હતા અને બાદમાં ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેને પેટ્રોલ નાંખીને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના પર દેશભરમાં લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને પોલીસે બુધવારના રોજ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]