નવી દિલ્હીઃ વર્ષ 2024 IPO માર્કેટ માટે શાનદાર સાબિત થયું. આ વર્ષે મેઇન બોર્ડ પર 91 IPO દ્વારા રૂ. 1,59,676 કરોડ (રૂ. 1.59 ટ્રિલિયન) એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (SME) ક્ષેત્રમાં 240 IPO દ્વારા રૂ. 8753 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા.
દેશના IPO માર્કેટ 2024માં 11.2 બિલિયન ડોલરની વિક્રમી આવક સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ આંકડો 2023માં એકત્ર કરાયેલા 5.5 બિલિયન ડોલર કરતાં બમણો છે. દેશમાં 2024માં ઘણા મોટા IPO લોન્ચ થયા છે, જેમાં હ્યુન્ડાઇ મોટર (USD 3.3 બિલિયન), સ્વિગી (USD 1.3 બિલિયન), NTPC ગ્રીન એનર્જી (USD 1.2 બિલિયન), વિશાલ મેગા માર્ટ (USD 0.9 બિલિયન) અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ (USD 0.8 બિલિયન)નો સમાવેશ થાય છે. આ IPO ના માત્ર રોકાણકારો માટે લાભકારક સાબિત થયા, પરંતુ બજારની ગતિ જાળવી રાખવામાં પણ મદદરૂપ થયા.
સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મુખ્ય ક્ષેત્રના વિકાસ પર ભાર, ખાનગી ક્ષેત્રમાં મૂડી ખર્ચમાં વધારો અને સ્થાનિક અને વિદેશી રોકાણકારોની સક્રિય ભાગીદારીએ આઈપીઓ બજારને મજબૂત બનાવ્યું છે. છૂટક રોકાણકારોની વધતી ભાગીદારી અને લિસ્ટિંગના દિવસે વધુ સારા રિટર્નની શક્યતાએ આ વિકાસને વેગ આપ્યો છે.
ભારતે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જ્યાં 200થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી. આ ક્ષેત્રમાં 604 IPO દ્વારા કુલ 33.9 બિલિયન ડોલર ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનો ફાળો મુખ્ય હતો.
વિશ્લેષકો માને છે કે 2025નું IPO માર્કેટ વધુ મજબૂત રહેશે. છૂટક રોકાણકારોની સક્રિયતા, સ્થાનિક મૂડીપ્રવાહને કારણે ભારતને મોટી તકો મળવાની અપેક્ષા છે.