ઢાકાએ આયાત ડ્યુટી ઘટાડતાં ચોખાની કિંમતમાં 10 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ ઘઉં પછી ચોખાની કિંમતોમાં તેજી જોવા મળી છે. ઘરેલુ અને વૈશ્વિક બજારમાં ચોખાની કિંમતેમાં છેલ્લા પાંચ દિવસોમાં 10 ટકાનો વધારો થયો છે. બંગલાદેશે ચોખા પરની આયાત ડ્યુટીને 62.5 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધી છે. આ ઉપરાંત બંગલાદેશે 22 જૂને નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં એણે 31 ઓક્ટોબર, 2022 સુધી નોન-બાસમતી ચોખાની આયાતને મંજૂરી આપી દીધી છે. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ભારત ઘઉં પછી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.

ભારત દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધની શક્યતાને લીધે બંગલાદેશે ચોખાની આયાત કરવાનો નિર્ણય લીધો હોવાની શક્યતા છે. રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે બંગલાદેશમાં પણ અનાજની અછત વર્તાઈ રહી છે. ભારતે ઘઉં નિકાસ પર પ્રતિબંધ મૂકેલો છે.

બંગલાદેશના આ નિર્ણય પછી માત્ર પાંચ દિવસમાં ભારતીય નોન-બાસમતી ચોખાની કિંમતો પ્રતિ ટન 350 ડોલરથી વધીને ટનદીઠ 360 ડોલરે પહોંચી છે. બંગલાદેશના આ નિર્ણય પછી દેશનાં ત્રણ રાજ્યોમાં –પશ્ચિંમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચોખાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે, કેમ કે આ રાજ્યોમાંથી બંગલાદેશમાં ચોખાની નિકાસ થાય છે, જ્યારે અન્ય રાજ્યોમાં ચોખાની કિંમતોમાં 10 ટકાનો વધારો થયો છે.

બંગલાદેશે 2020-21માં 13.59 લાખ ટન ચોખાની આયાત કરી હતી. ડેટા મુજબ ભારતે 2021-22માં 6.11 અબજ ડોલરના નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જ્યારે 2020-21માં 4.8 અબજ ડોલર ચોખાની નિકાસ કરવામાં આવી હતી. વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]