મુંબઈઃ રિઝર્વ બૅન્કે લોન લેનારાઓને ઘણી મોટી રાહત આપતું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. 13મી સપ્ટેમ્બરના આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે બૅન્કો અને નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ પ્રોપર્ટીના દસ્તાવેજો અને દેવાનો બોજો (ઇન્કમ્બ્રન્સ) લોન ચૂકતે થઈ ગયાના 30 દિવસની અંદર ફરજિયાતપણે છૂટાં કરવાનાં રહેશે.
જેના માટે લોન લેવામાં આવી હોય એ વસ્તુ પરનો બોજો લોનની સંપૂર્ણ ચૂકવણીના 30 દિવસની અંદર કાઢી નાખવો અને દસ્તાવેજો પરત કરવા, એમ કહેવામાં આવ્યું છે.
આ દસ્તાવેજો ફક્ત હોમ બ્રાન્ચમાંથી નહીં, કોઈ પણ બ્રાન્ચમાંથી ગ્રાહકને પાછા કરી શકાશે. કેન્દ્રીય બૅન્કે એમ પણ કહ્યું છે કે કરજદાર લોન ચૂકતે કરે ત્યાર બાદ એમને દસ્તાવેજો કઈ શાખામાંથી પાછા મળશે એ પણ લોનના દસ્તાવેજોમાં લખવાનું ફરજિયાત રહેશે.
જાહેરનામા મુજબ જો બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપની ત્રીસ દિવસની અંદર દસ્તાવેજો પાછા નહીં કરે અથવા દેવાનો બોજો છૂટો નહીં કરે તો વિલંબના દરેક દિવસ દીઠ 5,000 રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં, જો બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીથી દસ્તાવેજો ગુમ થઈ જાય તો એમણે કરજદારને એ દસ્તાવેજો કે એની એટેસ્ટેડ કોપી પાછાં અપાવવામાં મદદ કરવાની રહેશે અને એના માટે થનારો ખર્ચ ચૂકવવો પડશે. કરજદારનું મૃત્યુ થવાની સ્થિતિમાં એમના વારસદારોને દસ્તાવેજો કેવી રીતે પાછા મળશે એની વિગતવાર પ્રક્રિયાની જાહેરાત બૅન્ક/નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીએ કરવાની રહેશે. અત્યાર સુધીમાં લેવાઈ ગયેલી અને જેની સંપૂર્ણ ચૂકવણી 1 ડિસેમ્બર, 2023 પછી થવાની છે એવી લોનને પણ આ નવો નિયમ લાગુ પડશે.
રિઝર્વ બૅન્કે તમામ કોમર્શિયલ બૅન્કો (જેમાં સ્મૉલ ફાઇનાન્સ બૅન્કો, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો સામેલ છે), તમામ લોકલ એરિયા બૅન્કો, તમામ શહેરી સહકારી બૅન્કો, તમામ રાજ્ય સહકારી અને જિલ્લા મધ્યવર્તી સહકારી બૅન્કો, તમામ નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત) તથા તમામ ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને ઉદ્દેશીને આ જાહેરનામું પ્રકાશિત કર્યું છે.
આ નિર્દેશો રિઝર્વ બૅન્કના ચીફ જનરલ મૅનેજર સંતોષકુમાર પાણિગ્રહીએ બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, 1949ની કલમો – 21, 35એ તથા 56, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1934ની કલમો 45જેએ અને 45એલ તથા નૅશનલ હાઉસિંગ બૅન્ક ઍક્ટ, 1987ની કલમ 30એ હેઠળ જાહેર કર્યા છે.
જે લોન માટે આ નિર્દેશો અપાયા છે એમાં કન્ઝ્યુમર ક્રેડિટ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન તથા નાણાકીય ઍસેટ્સમાં રોકાણ કરવા માટે અપાયેલી લોનનો સમાવેશ થાય છે.
