રેલવેએ સિનિયર સિટિઝનોની છૂટને ખતમ કરીને 5800 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ વર્ષ 2020માં વિશ્વમાં કોરોના રોગચાળો ફેલાયો હતો, ત્યારે રેલવેએ સિનિયર સિટિઝન્સને ભાડામાં અપાતી છૂટ રેલવેએ ખતમ કરી દીધી હતી. એ છૂટ હજી સુધી શરૂ નથી.છેલ્લાં ચાર વર્ષમાં રેલવેએ સિનિયર સિટિઝન્સને મળનારી છૂટને ખતમ કરીને રૂ. 5800 કરોડની કમાણી કરી હતી.

લોકડાઉન પહેલાં રેલવે તરફથી મહિલાઓને ભાડાંમાં 50 ટકા અને પુરુષોને 40 ટકા છૂટ મળે છે. એ સાથે ટ્રાન્સજેન્ડર સિનિયર સિટિઝન્સને 40 ટકા છૂટ મળે છે. રેલવે મુજબ 60 વર્ષીય અને એનાથી વધુ વયના પુરુષ અને ટ્રાન્સજેન્ડર અને 58 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓ વરિષ્ઠ નાગરિક માનવામાં આવે છે. રેલવેએ આ સુવિધા ખતમ કર્યા પછી સિનિયર સિટિઝન્સે ટ્રેન યાત્રા માટે અન્ય યાત્રીઓની જેમ પૂરું ભાડું આપવાનું રહે છે.

મધ્ય પ્રદેશ સ્થિતિ ચંદ્રશેખર ગૌડે અલગ-અલગ સમયે RTI હેઠળ કેટલીય અરજી કરીને રેલવેથી માહિતી માગી હતી. એમાં તેમણે પૂછ્યું હતું કે સિનિયર સિટિઝન્સને છૂટ ખતમ કર્યા પછી કેટલો લાભ થયો છે?

ભારતીય રેલવેએ એનો જવાબ આપતાં કહ્યું હતું કે સિનિયર સિટિઝન્સ માટે છૂટ પરત લીધા પછી 20 માર્ચ, 2020થી 31 જાન્યુઆરી, 2024 સુધી રેલવેને રૂ. 5875 કરોડથી વધુની આવક રળી છે.

RTI દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ છેલ્લાં ચાર વર્ષમાં આશરે 13 કરોડ પુરુષ, નવ કરોડ મહિલાઓ અને 33,700 ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોએ સામાન્ય નાગરિકોની જેમ પૈસા આપીને ટ્રેનમાં યાત્રા કરી હતી.