નવી દિલ્હી- કેન્દ્ર સરકાર તમામ દુકાનો પર QR-કોડ આધારિત પેમેન્ટ સીસ્ટમ ફરજીયાત કરવા અંગે વિચાર કરી રહી છે. જેથી યૂપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી શકાય. આ સિસ્ટમથી ગ્રાહકોને જીએસટીમાં પણ ફાયદો મળી શકે છે. આનાથી ડિજિટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવાની સરકારની યોજના છે.
એક અધિકારીએ જણાવ્યું કે, અમે દુકાનદાર અને ગ્રાહકો બંન્નેના ફાયદા અંગે વિચાર કરી રહ્યાં છીએ. ચૂંટણી પહેલા જ જીએસટી કાઉન્સિલે આ પગલાને આગળ વધારવા માટે મંજૂરી આપી દીધી છે, હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે વાત ચાલી રહી છે. NPCIની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રીય સ્તર પર આ નિયમ લાગૂ કરવામાં આવશે.
આ આઈડિયા બીટુસી ટ્રાન્જેક્શન માટે છે, જેથી લોકોના વ્યવહારમાં પણ બદલાવ લાવી શકાય. હાલમાં એક નિર્ધારિત રકમના ટ્રાન્જેક્શન માટે પ્રયોગ કરવામાં આવશે. ત્યાર બાદ મોટો ટ્રાન્જેક્શન માટે પણ લાગૂ કરી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર ઘણા દેશોએ ડિજિટલ પેમેન્ટને ફરજિયાત કર્યું છે, અને આ દેશોને તેમનો ફાયદો પણ મળી રહ્યો છે. ચીને તાજેતરમાં જ આ પ્રકારના નિર્દેશ જારી કર્યા છે.
મહત્વનું છે કે, દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર અને રાજ્ય સરકાર યોજના બનાવી રહી છે. જીએસટી કાઉન્સિલ એક પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા ઈચ્છતી હતી પરંતુ પશ્ચિમ બંગાળે આ પ્રોજેક્ટ માટે સહમતી દર્શાવી નહતી. તેમનું કહેવું હતું કે, આ પ્રોજેક્ટ ગ્રામીણ જનતાના હિતોનું વિરુદ્ધ છે. હવે નાણાં મંત્રાલય આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.