નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે દેશની બધી દોઢ લાખ પોસ્ટ ઓફિસને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂરાં થવાના પ્રસંગે નાણાપ્રધાને કહ્યું હતું કે નાણાકીય સેવાઓને છેવાડાની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે બજેટમાં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક્સ દ્વારા 75 જિલ્લાઓમાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ (DBUs) સ્થાપવાની પણ ઘોષણા કરી હતી.
વર્ષ 2022માં દોઢ લાખ પોસ્ટ ઓફિસોમાં 100 ટકા કોર બેન્કિસંગ સિસ્ટમ લાગુ થશે, જે નાણાકીય સમાવેશ અને નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ ATM અને ઓનલાઇન ફંડના ટ્રાન્સફરના માધ્યમથી ગ્રાહકોને ખાતાંઓની કામગીરી કરવામાં સુવિધા મળશે. આ સુવિધા શરૂ થવાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને સિનિયર સિટિઝનોને બેન્કિંગ કામગીરી કરવામાં મદદ મળી રહેશે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. જોકે હાલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા પોસ્ટ ઓફિસો સેવિંગ્સ એકાઉન્ટ સર્વિસિસ અને પેમેન્ટ બેન્ક સર્વિસ આપે છે.
પોસ્ટ ઓફિસોને કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાથી ગ્રામીણ-શહેરી અર્થતંત્રની વચ્ચેનું અંતર દૂર કરવામાં મદદ મળશે, એમ SVC કો-ઓપરેટિવ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આશિષ સિંઘલે કહ્યું હતું.
દેશમાં દોઢ લાખ પોસ્ટ ઓફિસોને બેન્કિંગ સિસ્ટમથી જોડવાના પગલાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તેમનાં ખાતાંની કામગીરી ઓનલાઇન કરવામાં સુવિધા પ્રાપ્ત થશે, જે નાણાકીય સમાવેશીકરણને વધારશે, એમ પેપોઇન્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિસેક્ટર કેતન દોશીએ કહ્યું હતું.