નવી દિલ્હી- કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઇવેપ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે, લોકોએ સારા રસ્તા જોઇતા હોય તો ટોલ ચૂકવવો જ પડશે. નીતિન ગડકરી લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ફંડની માગને લઈને સવાલોના જવાબ આપી રહ્યાં હતાં. આ સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે, ટોલ સિસ્ટમ જિંદગીભર બંધ નહીં થાય કારણકે સરકાર પાસે પૂરતું ભંડોળ નથી. હા, ટોલના ભાડામાં વધારો ઘટાડો થઈ શકે છે. જો લોકોએ સારી સુવિધા જોઈતી હોય તો કિંમત ચૂકવવી પડશે.
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 40,000 કિમીના હાઈવેનું નિર્માણ કર્યુ છે. એવા જ વિસ્તારોમાંથી ટોલ વસૂલ કરવામાં આવે છે જ્યાંના લોકો ટોલ ચૂકવવા સક્ષમ હોય છે. ટોલના નાણાંનો ઉપયોગ ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે કરવામાં આવે છે. ટોલ કાયમ માટે બંધ કરી ન શકાય. ટોલનો જન્મદાતા હું છું. જો તમારે સારી સર્વિસ જોઇતી હોય તો તમારે નાણાં ચૂકવવા જ પડશે.
માર્ગ નિર્માણના પ્રોજેક્ટમાં જમીન સંપાદન મુખ્ય સમસ્યા છે. આ માટે રાજ્ય સરકારોએ કોઇ ઉકેલ શોધવો જોઇએ. ગડકરીએ જણાવ્યું હતું કે અમારું મંત્રાલય ત્યાં સુધી આગળ વધતું નથી જ્યાં સુધી 80 ટકા જમીનનું સંપાદન થઇ ગયું હોય. પશ્ચિમ બંગાળ અને બિહારમાં જમીન સંપાદનની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે.
2014માં હાઇવેના અનેક પ્રોજેક્ટ બંધ પડયા હતાં. જો આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરાયા ન હોત તો બેંકોની એનપીએ ત્રણ લાખ કરોડ વધી ગઇ હોત.સરકાર નવી દિલ્હીથી મુંબઇ માટે નવા ગ્રીન એક્સપ્રેસ વેની રચના કરવાનું વિચારી રહી છે. આ એક્સપ્રેસ વેથી દિલ્હીથી મુંબઇ 12 કલાકમાં પહોંચી જવાશે. એક એપ્રિલ, 2020થી તમામ નવા વાહનોમાં નવી નિયમોનું પાલન કરવું પડશે. દેશમાં કુલ 25 લાખ ડ્રાઇવરોની અછત છે. જે માટે દરેક રાજ્યમાં એક ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર શરૂ કરાશે.