નવી દિલ્હીઃ વિદ્યુત મથકોમાં કોલસાની તંગી સર્જાયાના અને તેને કારણે દિલ્હી સહિત છ રાજ્યોમાં વીજસંકટની ચિંતા વધી રહી હોવાના અહેવાલો વચ્ચે રાષ્ટ્રીય પાટનગર શહેર નવી દિલ્હીમાં અંધારપટ છવાઈ જવાની ચેતવણી આવી છે ત્યારે કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર.કે. સિંઘે કહ્યું છે કે કોલસાની તંગી વિશે બિનજરૂરી ગભરાટ ઊભો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હસ્તક કંપની GAIL અને ટાટા ગ્રુપ વચ્ચે ગેરસમજભર્યા સંદેશવ્યવહારને કારણે આ ગભરાટ ઊભો થયો છે.
સિંઘે કહ્યું છે કે આપણા દેશમાં પર્યાપ્ત પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ છે. અમે આખા દેશમાં વીજળી સપ્લાય કરીએ છીએ. જે કોઈને વીજળી જોઈતી હોય એ મને વિનંતીપત્ર મોકલે, હું એમને સપ્લાય કરીશ. ખોટો ગભરાટ ઊભો કરાયો છે. દિલ્હીને વીજળીની સપ્લાય ચાલુ જ રહેશે અને જરાય લોડ-શેડિંગ નહીં કરાય. ઘરેલુ તથા આયાતી કોલસાની કિંમત ભલે ગમે તે હોય, એની સપ્લાય ચાલુ જ રહેશે. કોઈ પણ સંજોગોમાં ગેસ સપ્લાય ઘટવા દેવામાં આવશે નહીં.
