કોરોના વાઇરસથી જંગમાં મોટી સફળતા, HIVની દવાઓનું ઉત્પાદન વધારવાનો ઓર્ડર

નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ લાંસેટના જણાવ્યા મુજબ ચીનમાં એન્ટિ HIV દવાઓ કોરોના વાઇરસના કેસમાં કેટલી અસરકારક છે એ વિશે પરીક્ષણ થઈ રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના મુખ્ય સાયન્ટિસ્ટે કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એનાં અંતિમ પરિણામ આવી જશે. જોકે ભારતમાં HIVની બંને દવાઓ કોવિડ-19ના દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. ભારતમાં મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે. કોરોના વાઇરસ (covid-19)ની રસી બનાવવામાં વર્ષ દોઢ વર્ષનો સમય લાગશે. જોકે હાલ કોરોના વાઇરસગ્રસ્ત દર્દીઓની સારવાર દરમ્યાન એ વાત સામે આવી છે કે HIVની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર અને રિટોનાવિર કોરોનાના દર્દીઓમાં અસરકારક સાબિત થઈ રહી છે. જેથી મોદી સરકારે ફાર્મા કંપનીઓને આ બંને દવાઓનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ફાર્મા કંપનીઓ સાથે બેઠક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફાર્મા કંપનીઓ સાથે લાંબી મંત્રણા કરી હતી. જેમાં કમિટી ઓફ એક્સપર્ટ્સે સિપ્લા, માઇલન, ઓરોબિંદો અને અન્ય ફાર્મા કંપનીઓને એન્ટિ HIVની દવાઓનું ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. લોપિનોવિર અને રિટોનોવિર એન્ટિ રેટ્રોવાઇરલ દવા છે. જે HIVને સ્વસ્થ કોશિકાઓમાં જતી અટકાવે છે. ભારત હાલ આ બંને દવાઓની નિકાસ આફ્રિકી દેશોથી કરે છે.

ઇટાલીથી આવેલાં દંપતી હવે સ્વસ્થ

ઇટાલીથી ભારત આવેલાં દંપતીની સારવારમાં લોપિનાવિર અને રિટોનાવિર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દંપતી જયપુરમાં કોરોના વાઇરસગ્રસ્ત હતાં. દંપતીની સહમતીથી આ બંને દવાઓ તેમને આપવામાં આવી હતી, જેની અસર સારી થઈ હતી. 14 દિવસ પછી હવે તેઓ લગભગ સ્વસ્થ છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું હતું.