શિવસેનાની માગણી નવી છે, અમને માન્ય નથીઃ અમિત શાહની સ્પષ્ટતા

નવી દિલ્હી – મહારાષ્ટ્રમાં ભાગીદાર પાર્ટી શિવસેના સાથે સરકારની રચના અંગે થયેલા ઝઘડાના મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે પહેલી વાર મૌન તોડ્યું છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જો ભાજપ-શિવસેના યુતિ વિધાનસભાની ચૂંટણી જીતે તો મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ જ રહેશે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને પોતે જાહેરમાં કહ્યું હતું ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો.

એએનઆઈને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભાજપની યુતિ તૂટવાનું કારણ કયું? ત્યારે શાહે કહ્યું કે ચૂંટણી પૂર્વે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેં જાહેરમાં ઘણી વાર કહ્યું હતું કે જો આપણી યુતિ ચૂંટણી જીતે તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન બનશે. એ વખતે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો. હવે એ લોકો નવી માગણી લઈને આવ્યા છે, જે અમને મંજૂર નથી.

મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવામાં આપવામાં આવેલા સમય સંબંધિત પૂછવામાં સવાલના જવાબમાં શાહે કહ્યું કે આ પહેલાં કોઈ રાજ્યમાં આટલો બધો સમય આપવામાં આવ્યો નહોતો. 18 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. રાજ્યપાલે વિધાનસભાની મુદત પૂરી થઈ ગયા બાદ જ પક્ષોને આમંત્રણ આપ્યું હતું. શિવસેના કે કોંગ્રેસ-એનસીપી કે અમે કોઈએ સરકાર રચવાનો દાવો કર્યો નહોતો. આજે પણ જો કોઈ પાર્ટી પાસે સંખ્યાબળ હોય તો એ ગવર્નર પાસે જઈ શકે છે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અંગે રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીના નિર્ણયનો બચાવ કરતાં શાહે કહ્યું કે વિરોધ પક્ષ ખોટું રાજકારણ રમે છે. એક બંધારણીય પદને આ રીતે રાજકારણમાં ઢસડવું યોગ્ય ન કહેવાય. આ લોકશાહીની સાચી પરંપરા નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને રાતે 8.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પણ એ ડેડલાઈન પૂર્વે જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. એ સવાલના જવાબમાં શાહે કહ્યું કે એનસીપી પાર્ટીએ જ પત્ર લખીને સરકાર રચવામાં પોતાની અસમર્થતા જાહેર કરી દીધી હતી તે પછી જ રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. એવા સંજોગોમાં રાહ જોવાનો કોઈ મતલબ નહોતો.