કર્ણાટકના બાગી ધારાસભ્યો પેટાચૂંટણી લડી શકશેઃ સુપ્રીમની લીલી ઝંડી

નવી દિલ્હી: કર્ણાટકમાં ગેરલાયક ઠેરવેલા 17 બાગી ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે, તમામ 17 બાગી ધારાસભ્યો પેટાચૂંટણીમાં ભાગ લઈ શકશે. કોર્ટે 2023 સુધીમાં અયોગ્ય ઠેરવવા જવાના નિર્ણયને રદ કરી દીધો છે.

મહત્વનું છે કે, આ ધારાસભ્યોએ બગાવત કર્યા બાદ કર્ણાટકમાં જેડીએસ કોંગ્રેસ ગઠબંધનની સરકાર તુટી ગઈ હતી. અને પાછળથી ભાજપે બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં રાજ્યમાં સરકાર બનાવી હતી. આ વર્ષે જુલાઈમાં કર્ણાટક વિધાનસભા સ્પીકરે પક્ષપલ્ટા કાયદા હેઠળ આ 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતાં. સ્પીકર દ્વારા અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યોમાં 14 કોંગ્રેસના અને 3 જેડીએસના ધારાસભ્ય છે.

વિધાનસભા સ્પીકરે આ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની સાથે જ આ ધારાસભ્યો પર આગામી ચૂંટણી એટલે કે, 2023 સુધી કોઈ પણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ તમામ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે, સ્પીકરના નિર્ણયને ખોટો સાબિક કરતા તેમને યોગ્ય ગણવામાં આવે.

કર્ણાટકમાં 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. તમામ 17 ધારાસભ્યોએ રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે, વિધાનસભામાં આવવા માટે કોઈ તેમને મજબૂર ન કરી શકે. અમે આની વિરુદ્ધ કોર્ટમાં જઈશું. જો કોર્ટ આ તમામ બાગી ધારાસભ્યોને યોગ્ય ઠેરવે તો આ તમામ વિધાનસભા પેટા ચૂંટણી લડી શકે છે. કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા એ દરમ્યાન ધારાસભ્યોના સમર્થનમાં વાત કહી હતી. હવે 224 સભ્યોની વિધાનસભામાં 106 ધારાસભ્યો ભાજપ પાસે છે જ્યારે જેડીએસ અને કોંગ્રેસ પાસે 101 ધારાસભ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]