હરિત ક્રાંતિના જનક એમ. એસ. સ્વામિનાથનનું નિધન

નવી દિલ્હીઃ દેશના જાણીતા વિજ્ઞાની એમએસ સ્વામિનાથનનું નિધન થયું છે. ચેન્નઇમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું 98 વર્ષની વયે નિધન થયું હતું. દેશમાં હરિત ક્રાંતિના તેમને જનક કહેવામાં આવતા હતા. પ્રોફેસર સ્વામિનાથન એક પ્રસિદ્ધ કૃષિ વિજ્ઞાની હતા.તેમને દેશમાં ઘઉં અને ચોખાની ઊંચી ઊપજ આપવાવાળા જાતો રજૂ કરવા અને એને વિકસિત કરવાનું શ્રેય આપવામાં આવે છે. દેશમાં દુકાળથી બચવા અને ખાદ્યાન્ન સુરક્ષા અપાવવા માટે તેમણે અમેરિકી વૈજ્ઞાનિક નોર્મન બોરલોગની સાથે 1969ના દાયકામાં કામ કર્યું હતું.

1987માં પ્રોફેસરને પ્રથમ ખાદ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને કૃષિ ક્ષેત્ર સર્વોચ્ચ સન્માન તરીકે જોવામાં આવે છે. તેમને કેટલાય અન્ય પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. જેમાં 1971માં પ્રતિષ્ઠિત રેમેન મેગસેસ એવોર્ડ અને 1986માં વિજ્ઞાન માટે આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશ્વ પુરસ્કાર સામેલ છે.

વડ પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને એમએસ સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમએસ સ્વામિનાથનને 1967માં પદ્મ શ્રી, 1972માં પદ્મ ભૂષણ અને 1989માં પદ્મ વિભૂષણથી સસન્માનવામાં આવ્યા હતા. તેમને 84 વાર ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને મળેલી 84 ડોક્ટરેટની ડિગ્રીમાંથી 24 ડિગ્રી તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપી હતી.

સાત ઓગસ્ટ, 1925માં તામિલનાડુના કુંભકોણમાં જન્મેલા એમએસ સ્વામિનાથન જેનેટિક વિજ્ઞાની હતા. તેમણે મેક્સિકોનાં બીજોને પંજાબની ઘરેલુ જાતો સાથે મિશ્રિત કીને ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજ વિકસિત કર્યા હતા.