લખનૌ: તાજેતરમાં જ કેન્દ્રસરકારે નિવેદન આપ્યું હતું કે, મિડ ડે મીલ (મધ્યાહ્ન ભોજન) ભ્રષ્ટાચારમાં ઉત્તરપ્રદેશ મોખરે છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક પ્રાઈમરી સ્કૂલમાં બાળકોને અપાતા મિડ ડે મીલની હકીકત સામે આવી છે. અહીં 1 લીટર દૂધમાં એક ડોલ ભરીને પાણી ઉમેરી 81 બાળકો વચ્ચે વહેંચવામાં આવ્યું. ઘટના સામે આવ્યા બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને સ્કૂલ સ્ટાફને આ બેદરકારી બદલ દોષી માન્યો. આ મામલે બે શિક્ષામિત્રને ફરજમુક્ત કરી દેવાયા છે અને વધારાની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બાળકોને માત્ર રોટલી અને મીઠું જ આપવામાં આવે છે તેવું બહાર આવ્યું હતું. ત્યારે હવે સોનભદ્રનો આ કિસ્સો ઘણો શરમજનક છે.
ઉત્તર પ્રદેશમાં કોટા ગ્રામપંચાયતની સલઈબનવા પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહ્ન ભોજન યોજનાના બુધવારના મેનુ પ્રમાણે વેજીટેબલ પુલાવ અને દૂધ આપવાનું હતું. તે અંતર્ગત માત્ર એક લિટર દૂધમાં ડોલ ભરીને પાણી ઉમેરવામાં આવ્યું હતું અને 81 બાળકો વચ્ચે વહેંચી દેવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા જ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને પ્રાથમિક શાળાના બાળકોને ફરીથી દૂધ વહેંચવામાં આવ્યું હતું. બુધવારના મેનુ પ્રમાણે દરેક બાળકને 150 એમએમ દૂધ આપવાનું હતું. સલઈબનવા પ્રાથમિક શાળામાં 171 વિદ્યાર્થીઓની નોંધણી થયેલી છે અને બુધવારે માત્ર 81 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા ત્યારે જો બધા જ વિદ્યાર્થીઓ હાજર હોત તો શું એક લિટર દૂધમાં કેટલું પાણી ઉમેરવામાં આવત તેવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે.
રસોઈયા દ્વારા દૂધમાં પાણી ભેળવવાનો વિડિયો સ્કૂલના જ કોઈ સ્ટાફ મેમ્બરે બનાવીને વાયરલ કર્યો છે. રસોઈયાનું કહેવું છે કે, શિક્ષામિત્રના કહેવા પર આવું કર્યું હતું.
તો બીજી તરફ લોકસભામાં ભાજપા સાંસદ ભારતી પ્રવીણ પવારના એક સવાલના જવાબમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરયાલે જણાવ્યું કે, ત્રણ વર્ષ દરમ્યાન દેશભરમાં મિડ ડે મીલમાં ભ્રષ્ટાચારની 52 ફરિયાદો મળી છે. જેમાં યૂપીમાં 14, બિહારમાં 11, પશ્ચિમ બંગાળમાં 6, મહારાષ્ટ્રમાં 5, રાજસ્થાનમાં 4, અસમ, દિલ્હી, હરિયાણામાં 2 2 અને છત્તિસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને ઉત્તરાખંડમાંથી એક એક ફરિયાદો નોંધાઈ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયની આ જાણકારી પર તીખી પ્રતિક્રિયાઓ થઈ છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું ક, એમએચઆરડીનો રિપોર્ટ અનુસાર મિડ ડે મીલમાં ભ્રષ્ટાચાર મામલે યૂપી નંબર 1 પર છે. ઉત્તર પ્રદેશના મુખીયા દરરોજ ઢંઢેરો પીટે છે કે, એક્શન લેવામાં આવ્યા છે….પણ હકીકતમાં આ માત્ર દેખાવો થઈ રહ્યો છે. સમગ્ર ભ્રષ્ટાચાર યૂપી સરકારના નાક નીચેથી થઈ રહ્યો છે.