નવી દિલ્હીઃ દેશના ઉત્તર ભારત સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં પારો 43 ડિગ્રીથી ઉપર છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં પણ પારો 45ને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર-પશ્ચિમી ભારતમાં ત્રણથી ચાર ડિગ્રીના વધારાનો વરતારો કર્યો છે. જેથી સ્થિતિ ઓર વણસવાની સંભાવના વ્યક્ત કરી છે.
દેશમાં 25 મેથી મોસમમાં ફેરફાર થવાની આશંકા છે. 25 મેથી બીજી જૂન સૂર્ય ઓર રૌદ્ર રૂપ ધારણ કરે એવી શક્યતા છે. એનું કારણ એ છે કે 25 મેથી નૌતપાનો પ્રારંભ થશે, જેમાં સૂર્ય કાળો કરે વર્તાવશે. એ દિવસોમાં વધુ આકરી ગરમી પડશે. નૌતપા એટલે કે ભયંકર ગરમીના નવ દિવસ. એ દરમ્યાન સૂર્ય અને ધરતીની વચ્ચે અંતર ઓછું થવાને કારણે ધરતી પર સૂર્યનો તાપ વધુ અનુભવાશે.
નૌતપાના સમયે ભીષણ ગરમી
નૌતપા દરમ્યાન સૂર્ય રોહિણીમાં પ્રવેશ કરે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી સૂર્ય દેવ ધરતીની નજીક આવે છે. નૌતપા 15 દિવસનો સમયગાળો હોય છે. નૌતપાનો પ્રારંભ 25 મેથી થશે અને નૌતપા આઠ જૂને ખતમ થશે, પણ પ્રારંભના દિવસોમાં તાપમાન ભીષણ રહે છે. જોકે આ વખતે નૌતપા તપવાથી સારોએવો વરસાદ થવાની સંભાવના છે.
જ્યોતિષની દ્રષ્ટિએ આ વર્ષે નૌતપા દરમ્યાન શનિ વક્રી અવસ્થામાં રહેશે, જેથી નૌતપામાં તેજ હવા, વંટોળ અને વરસાદના સંકેત છે. નૌતપાના છેલ્લા બે દિવસોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહે છે.