મુંબઈઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમસાણને લઈને શિવસેના નેતા સંજય રાઉતે ભાજપનો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપે મહારાષ્ટ્રમાં પણ સરકાર બનાવવાના પ્રયત્નો કર્યા હતા, પણ તેઓ સફળ ના થયા. આવી રાજરમત અહીં સફળ ના થઈ શકે. અહીં ઓપરેશન થિયેટરમાં મારા જેવા કેટલાય સર્જન બેઠા છે. જો કોઈ અહીં આવી રાજરમત કરવાની કોશિશ કરે તો એનો જ દાવ થઈ જાય.
રાઉતે બુધવારે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટીની આગેવાનીમાં મહારાષ્ટ્ર સરકાર સુરક્ષિત છે અને મધ્ય પ્રદેશનો વાઇરસ પશ્ચિમી રાજ્યમાં પ્રવેશશે નહીં.
એક ઓપરેશન 100 દિવસ પહેલાં નિષ્ફળ થયુંઃ રાઉત
રાઉતે મરાઠીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) સરકાર માટે ચિંતાનું હાલ કોઈ કારણ નથી. મહારાષ્ટ્રની શક્તિ અલગ છે. એક ઓપરેશન 100 દિવસ પહેલાં ફ્લોપ થઈ ગયું હતું. મહા વિકાસ આઘાડીએ બાયપાસ સર્જરી કરીને મહારાષ્ટ્રને બચાવી લીધું હતું.
મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનનીમાં ગઠબંધન સરકાર
પાછલા વર્ષે ઓક્ટોબરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાની આગેવાની હેઠળ ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર 28 નવેમ્બરે સત્તામાં આવી હતી, જ્યારે તેણે મુખ્ય પ્રધાનપદ માટે ભાજપનો સાથ છોડ્યો હતો. વિધાનસભાની કુલ 288 બેટકો પૈકી ઉદ્ધવ સરકારને 165થી વધુ વિધાનસભ્યોનો ટેકો છે.
