નવી દિલ્હી: દેશમાં કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ સંબંધિત દસ્તાવેજોની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. મંત્રાલયની તરફથી કરવામાં આવેલ સત્તાવાર જાહેરાત અનુસાર, આ વર્ષે 1 ફેબ્રુઆરીથી જે વાહનોના દસ્તાવેજોનું નવીનીકરણ બાકી છે, તેમની માન્યતા 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન નવીનીકરણ કરાવવા પર કોઈ પણ પેનલ્ટી કે લેટ ફી લેવામાં આવશે નહીં.
અગાઉ 30 માર્ચ 2020 મોટર વ્હીકલ એક્ટ, 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ, 1989 અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટની ડેડલાઈનને 30 જૂન સુધી વધારી દેવામાં આવી હતી.
આ સુવિધા તે વાહન ચાલકો માટે હશે, જેમણે 1 ફેબ્રુઆરીના રોજ અથવા તે પછી ડોક્યુમેન્ટના નવીનીકરણ માટેની ફી ચૂકવી છે, પરંતુ કોરોનાવાઈરસના કારણે દસ્તાવેજોનું નવીનીકરણ થઈ શક્યું નથી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જે ડોક્યુમેન્ટનો સમયગાળો પૂરો થઈ ગયો હતો પરંતુ લોકડાઉનના કારણે રિન્યુઅલ નથી થઈ શક્યા તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.