નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલી મામલે ઘેરાયેલી સરકાર દ્વારા હવે સ્પષ્ટતા આપવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં 12 ફેબ્રુઆરીના રોજ તેમની બદલી ભલામણ કરી હતી. કોઈપણ જજના ટ્રાન્સફર પર તેમની પણ મંજૂરી લેવામાં આવે છે અને આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. આ મુદ્દાનું રાજનીતિકરણ કરીને કોંગ્રેસે એકવાર ફરીથી કોર્ટ પ્રત્યે પોતાની દુર્ભાવના દર્શાવી છે.
રવીશંકર પ્રસાદે કહ્યું કે, જસ્ટિસ લોયાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેટલાક લોકો આના પર સવાલ ઉઠાવીને કોર્ટનું અપમાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વ્યાપક ચર્ચા થઈ હતી. શું રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે?
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ એસ.મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે ન્યાય કરનારા લોકોને દેશમાં છોડવામાં નહી આવે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપે કહ્યું કે, આખો દેશ અચંબિત છે, પરંતુ મોદી-શાહ સરકારની દુર્ભાવના, વિચારધારા, અને નિરંકુશતા કોઈનાથી છુપાયેલી નથી. જેને લઈને તેઓ એ લોકોને બચાવવાના તમામ પ્રયત્નો કરશે કે જેમણે ભડકાઉ ભાષણ આપીને નફરતના બીજ વાવ્યા છે અને હિંસા ફેલાવી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ જસ્ટિસ મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, સરકારે ન્યાયને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.મુરલીધરે ભાજપના નેતાઓના નિવેદનો પર કાર્યવાહી ન કરવા પર પોલીસને ફટકાર લગાવી હતી.
