JNU હુમલાની જવાબદારી આ સંગઠને સ્વીકારીઃ પોલીસ તપાસ ચાલુ

નવી દિલ્હીઃ હિંદુ રક્ષક દળે જેએનયૂના હુમલાની જવાબદારી લીધી છે. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંદુ રક્ષક દળના નેતા પિંકી ચોધરીએ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આ હિંસામાં કુલ 30 થી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પિંકી ચોધરીએ જણાવ્યું કે, જેએનયૂ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર છે. અમે આને સહન ન કરી શકીએ. અમે જેએનયૂ હુમલાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને હુમલો કરનારા લોકો અમારા કાર્યકર્તા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVP વિરુદ્ધના આરોપોને છુપાવવા માટે આ ગ્રુપ કામ કરે છે. તો જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલામાં શામિલ લોકોની ઓળખ માટે પોલીસ વિડીયો ફૂટેજ અને ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારે રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કર્યો હતો અને પરિસરમાં રહેલી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસને પોલીસને બોલાવી હતી. આ હુમલામાં આઈશી ઘોષ સહિત 34 જેટલા લોકો ઘાયલ થયા હતા.