નવી દિલ્હી: લંડનની જેલના સળિયા ગણી રહેલા નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે સકંજો કસાયો છે. નીરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે ઈન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. પીએનબી ગોટાળા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સાથે નેહલ મોદીની પણ સંડોવણી છે. તેના પર મનિ લોન્ડરિંગ અને પુરાવાના નાશ કરવાનો આરોપ છે. નેહલ મોદી કેટલાક અઠવાડિયા પહેલા જ વિદેશ ફરાર થઈ ગયો છે.
નેહલ દીપક મોદી (ઉ.40)નો જન્મ એન્ટવર્પ, બેલ્જિયમમાં થયો છે અને તે ત્યાંનો નાગરિક છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં નીરવ મોદીની સંખ્યાબંધ મિલકતો ટાંચમા લીધી છે. નેહલ મોદી વિરુદ્ધ પણ મની લોન્ડરિંગનો કેસ હોવાથી તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.
ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં નેહલ મોદીના નામનો પણ ઉલ્લેખ છે અને તેની સામે પુરાવાનો નાશ કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પીએનબી લોન કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદી અને તેના તેના મામા મેહુલ ચોક્સી સામે પણ નોટિસ જાહેર કરવામાં આવી હતી. નિરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને ભારત પ્રત્યર્પણ માટેના કેસની કાર્યવાહી ચાલી રહી છે.