નવી દિલ્હી- ભારત એક પછી એક મહત્વની સિદ્ધિ પોતાને નામે કરી રહ્યું છે. અંતરિક્ષની દુનિયામાં સતત ઈતિહાસ રચનાર ભારતે આજે વધુ એક સફળતા મેળવી છે. ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સવારે 9.27 વાગે ભારતીય રૉકેટ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ દ્વારા ઈલેકટ્રૉનિક ઈન્ટેલિજન્સ ઉપગ્રહ, એમિસેટને લૉન્ચ કર્યુ. આ સાથે જ ઈસરોએ એક જ રોકેટની મદદથી ત્રણ અલગ અલગ ઓર્બિટમાં ઉપગ્રહોને સ્થાપિત કરવાની સિદ્ધિ પોતાને નામે દર્જ કરી છે.
ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરશે.
સેટેલાઈટ લોન્ચ પછી આ મામલે ઈસરોના ચેરમેન કે.સિવને કહ્યું કે, આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વનું છે. આ પ્રથમ વખત છે કે, PSLV એક સિંગલ રોકેટની મદદથી ત્રણ અલગ અલગ ઓર્બિટ માટે સેટેલાઈટને પ્રસ્થાપિત કરશે. સિવને વધુમાં કહ્યું કે, થ્રી-ઈન-વન મિશનથી ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. એજન્સીનો ધ્યેય આ વર્ષે વધુ 30 મિશન મોકલવાનો છે. જેમાં ભારતનું ચંદ્રયાન મિશન-2 પણ શામેલ છે.
આ વખતે પીએસએલી-સી45થી 29 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. પીએસએલવીની આ 47મી ઉડાન છે. આ ખૂબ જ વિશ્વાસુ લોન્ચ વેહિકલ માનવામાં આવે છે. જૂન 2017માં તેમની 39મી ઉડાન સાથે પીએસએલની દુનિયાનું સૌથી વિશ્વાસપાત્ર સેટેલાઈટ લોન્ચ વેડિકલ બન્યું છે. 104 સેટેલાઈટ લોન્ચ કરવા માટે વૈજ્ઞાનિકોએ પીએસએલવીને પાવરફુલ એક્સએલ વર્જનનો ઉપયોગ કર્યો છે. 2008માં મિશન ચંદ્રયાન અને 2014માં મંગળયાન મિશન પણ પીએસએલવી દ્વારા પુરુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરી 2017ના રોજ ઈસરોએ એ સૌથી વધારે સેટેલાઈટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 30મિનિટમાં એક રોકેટ દ્વારા 7 દેશોના 104 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના નામે હતો. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા.