નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઘુસીને તેના લડાકૂ વિમાનને નષ્ટ કરનારા ભારતના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદનનું ડિબ્રિફિંગ પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ તેમને ત્રણ સપ્તાહ માટે રજા પર જવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય વાયુ સેનાએ અભિનંદનનું ડિબ્રીફિંગ પૂર્ણ કરી લીધું છે. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનની કેદમાં વિતાવેલા પોતાના અનુભવો વર્ણવ્યા છે, જ્યાં તેમને અત્યંત માનસિક યાતનાઓ આપવામાં આવી હતી.
પાકિસ્તાનની કેદથી છૂટ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનને દિલ્હીમાં રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં ચેકઅપ અને ઉપચાર માટે રાખવામાં આવ્યા હતા. હવે વિંગ કમાન્ડર ત્રણ સપ્તાહની રજા દરમિયાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરશે.
સેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન રક્ષા પ્રધાન નિર્મલા સીતારમન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓએ વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી હતી.
ભારતના શૂરવીર અભિનંદન દુશ્મનની કેદમાં હતા, પરંતુ આમ છતા પણ દેશના આ સપૂતના દિલમાં દેશની જ યાદ હતી. જેવી રીતે અભિનંદને નીડરતાપૂર્વક દુશ્મનના કડક સવાલોના જવાબો આપ્યા, તેનાથી આખો દેશ તેમના પર આજે ગર્વ લઈ રહ્યો છે.