નવી દિલ્હી- કેટલાંક સરકારી અધિકારીઓના મીટના વેપારી મોઈન કુરેશી લાંચ મામલે સંડોવણી મામલે તપાસ કરવા કેન્દ્ર સરકારે સાત દેશોની મદદ માગી છે. આ અધિકારીઓ પર કરોડો રુપિયાની લાંચ લેવાનો અને પોતાના પસંદગીના દેશોમાં હવાલા દ્વારા રુપિયા જમા કરાવવાનો આરોપ છે.આ સંદર્ભમાં સિંગાપોર અને હોંગકોંગને પહેલેથી જ લેટર રોગેટરી (LR) જારી કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, કાયદાકીય પ્રક્રિયા માટે સહયોગ મેળવવા કોર્ટ જ્યારે કોઈ વિદેશી કોર્ટ પાસે ઔપચારિક રીતે અનુરોધ કરે છે તેને લેટર રોગેટરી (LR) કહેવામાં આવે છે.કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને બ્રિટનને LR ઈશ્યૂ કરવા કોર્ટનો સંપર્ક કરવા પરવાનગી આપી દીધી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટે (ED) આ માહિતી એક સ્થાનિક કોર્ટને જણાવી હતી. આ ઉપરાંત દુબઈ, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને અમેરિકાને પણ LR જારી કરવા તપાસ એજન્સીઓ જલદી જ કોર્ટને નિવેદન કરશે.ઉલ્લેખનીય છે કે, CBI અને ED બન્ને તપાસ એજન્સીઓએ 17 થી 27 ઓક્ટોબર સુધી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા દુબઈ જવા અંગે મોઈન કુરેશીના નિવેદનનો આકરો વિરોધ કર્યો હતો. જોકે કોર્ટે કુરેશી વિરુદ્ધ કોઈ નવું પ્રમાણ નહીં મળવાને કારણે 16 ઓક્ટોબરે તેને દુબઈ જવા પરવાનગી આપી હતી.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે, હવાલા ઓપરેટર્સ લાંચની કેટલીક રકમ ફ્રાંસ, બ્રિટન અને દુબઈ જેવા દેશોમાં પણ ટ્રાન્સફર કરાવે છે. આ કેસમાં બે હવાલા ઓપરેટર્સના નામ પણ સામે આવ્યા છે.