એરસેલ મેક્સિસ કેસ: ચિદમ્બરમ સામે કેસ ચલાવવા કેન્દ્ર સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી- એરસેલ મેક્સિસ કેસમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિ ચિદમ્બરમની 18 ડિસેમ્બર સુધી ધરપકડ નહીં કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે પણ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. આજે આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે ચિદમ્બરમ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હોવાનું સીબીઆઈએ દિલ્હી કોર્ટેને જણાવ્યું છે.પટિયાલા હાઉસ કોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા તુષાર મહેતાએ કહ્યું કે, કુલ 18 આરોપીઓમાંથી 11 આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી મળી ગઇ છે, જેમાં પી. ચિદમ્બરમના નામનો પણ સામેવેશ થાય છે. આ કેસમાં ઈડી તરફથી બાકી બચેલા આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી મેળવવા માટે કોર્ટ પાસે સમય માગવામાં આવ્યો છે. સીબીઆઇએ રુપિયા 1.13 કરોડની વ્યક્તિગતરીતે લાંચ લેવાનો તેમના પર આક્ષેપ કર્યો છે. તપાસ સંસ્થાએ જણાવ્યું કે, મેક્સીસ તરફથી એરસેલમાં ગેરકાયદે રીતે પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી મળી ગયા બાદ ચિદમ્બરમના પુત્ર કાર્તિએ લાંચ લીધી હતી. મેક્સીસને એરસેલમાં રુપિયા 3 હજાર 560 કરોડના રોકાણની મંજૂરી મળી હતી. કેન્દ્રિય તપાસ સંસ્થાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, પી. ચિદમ્બરમને વર્ષ 2006 થી વર્ષ 2012 વચ્ચેના ગાળામાં આ રકમ આપવામાં આવી હતી. આ રકમ એવા નાણાંના હિસ્સા તરીકે હતી જેને કાર્તિના નિયંત્રણવાળી કંપનીમાં રોકવામાં આવી હતી. આ રકમ ભારતમાં તો રોકવામાં આવી હતી પરંતુ સાથે સાથે વિદેશમાં પણ રકમ મોકલવામાં આવી હતી.વિદેશોમાંથી પૈસા ટ્રાન્સફરને લઇને પી. ચિદમ્બરમ સહિત અમુક લોકોના કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરુરી હોવાનું તપાસ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ પહેલા બાકીના 7 આરોપીઓ પર ટ્રાયલ શરુ કરવા માટે વિવિધ વિભાગોમાંથી પરવાનગી લઈ રહ્યા હોવાનું તપાસ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે કરવામાં આવશે. તુષાર મહેતાએ જણાવ્યું છે કે, પુછપરછ દરમિયાન આરોપીએ તપાસને મિસ લીડ કરી હતી. તેની સાથે પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડમાંથી 18 ડિસેમ્બર સુધી રાહત મળી છે.પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ પર આરોપ છે કે, તેમણે કથિત રીતે એરસેલ-મેક્સિસને એફડીઆઈનો ફાયદો પહોંચાડવા માટે આર્થિક મામલાની કેબિનેટ કમિટીની અવગણના કરી હતી. EDના મતે એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કેબિનેટ કમિટીની પરવાનગી વગર જ મંજૂરી આપી હતી. આ ડિલ રુપિયા 3 હજાર 500 કરોડની હતી. આ કેસમાં સીબીઆઈ અને ઇડી બંને પી. ચિદમ્બરમની તપાસ કરી રહ્યાં છે. સીબીઆઈ એ બાબતની તપાસ કરી રહી છે કે, જે બાબતે ફક્ત કેબીનેટ કમિટીને અધિકાર છે તે એફઆઈપીબીની મંજૂરી પી. ચિદમ્બરમે કેવી રીતે આપી દીધી?