લાલ કિલ્લા ખાતે વિશેષ મહેમાન બનશે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનનાં સભ્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ચેષ્ટા રૂપે એક પગલું ભરીને, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO)નાં ૫૦ માનવંતા કર્મયોગીઓને એમનાં જીવનસાથીનાં સંગાથમાં અહીંના પ્રતીકાત્મક લાલ કિલ્લા ખાતે આવતા મંગળવારે દેશના ૭૭મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

દેશના સરહદી વિસ્તારોમાં કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓમાં વિકાસ અને સુદ્રઢિકરણ કાર્ય કરવામાં અથાગ પરિશ્રમ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બતાવવા બદલ આ કર્મયોગીઓને આ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આઝાદ ભારતના ઈતિહાસમાં અને BRO સંસ્થાના ૬૩ વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર તેનાં કર્મચારીઓ/સભ્યોને આ આમંત્રણ આપવામાં આવ્યું છે.