છત્તીસગઢના રાયપુર ઉત્તર મતવિસ્તારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મહિલાઓ સંભાળે છે

રાયપુર: 90-સભ્યોની છત્તીસગઢ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા ગઈ 7 નવેમ્બરે હાથ ધરવામાં આવી હતી. આજે છત્તીસગઢની  સાથે મધ્ય પ્રદેશમાં 230 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ રાજ્યમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

છત્તીસગઢમાં રાજધાની શહેર રાયપુરમાં ઉત્તર મતવિસ્તાર એક વિશિષ્ટતા ધરાવે છે. અહીંના તમામ 201 મતદાન કેન્દ્રોમાં ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માત્ર મહિલાઓને જ સોંપી છે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ પગલું પહેલી જ વાર ભરવામાં આવ્યું છે. આ બેઠક પરના તમામ મતદાન કેન્દ્રોમાં પ્રીસાઈડિંગ ઓફિસરથી લઈને મતદાન અધિકારીઓ અને કર્મચારીઓ – તમામ મહિલાઓ જ છે. જિલ્લા વહીવટીતંત્રએ આ જાણકારી આપી છે.

ચૂંટણી પંચે 804 મહિલાઓને આ પ્રક્રિયા માટે સેવામાં ઉતારી છે. એટલું જ નહીં, બીજી 200 જેટલી મહિલાઓને અનામત રાખવામાં આવી છે જેમને જરૂર પડશે તો સેવામાં સામેલ કરવામાં આવશે. આ બેઠક પર ચૂંટણી નિરીક્ષક અધિકારી પણ મહિલા છે – વિમલા આર. એવી જ રીતે, એમનાં સંપર્ક અધિકારી પણ મહિલા જ છે. તમામ પોલિંગ બૂથમાં સુરક્ષા બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓ જ સંભાળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢનાં વડા ચૂંટણી અધિકારી પણ આઈએએસ અધિકારી છે – રીના બાબાસાહેબ કાંગળે.