મારી પાસે એક કાર, વકીલની ફી ચૂકવવા ઘરેણાં વેચ્યાં : અનિલ અંબાણી

નવી દિલ્હીઃ એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પાસે હવે માત્ર એક કાર છે. તેમણે વકીલની ફી ચૂકવવા માટે પોતાની પાસેનાં તમામ ઘરેણાં વેચી દીધાં છે. અનિલ અંબાણીએ ખુદ શુક્રવારે બ્રિટનમાં એક કોર્ટને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ બહુ સાધારણ જિંદગી જીવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન દરમ્યાન તેમણે 9.9 કરોડ રૂપિયાનાં ઘરેણાં વેચ્યાં છે. હવે તેમની પાસે કંઈ બચ્યું નથી. લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અટકળો આધારિત મિડિયાના અહેવાલ છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોય્સ કાર નહોતી. હાલ માત્ર હું એક કારનો ઉપયોગ કરું છું.

5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં

આ વર્ષે  22 મેએ ઇંગ્લેન્ડની હાઇ કોર્ટે અનિલ અંબાણીને 5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં અને કાનૂની પ્રક્રિયા પર ખર્ચ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ રકમ આ વર્ષની 12 જૂન સુધીમાં ચીનની ત્રણ બેન્કોને આ રકમ ચૂકવવાની હતી. અનિલ અંબાણી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. 15 જૂને ઇન્ડસ્ટ્રિયલ ઓર કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની આગેવાનીમાં ચીનની બેન્કોએ તેમની એસેટ્સ વિશે માહિતી માગી હતી. આ વર્ષની 29 જૂને માસ્ટર ડેવિડસને અનિલ અંબાણીથી તેમની સંપત્તિઓ વિશે સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું.

અનિલ અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર

શુક્રવારે અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સામે હાજર થયા હતા. તેઓ હાલ ભારતમાં છે. કોર્ટને તેમણે જણાવ્યું હતું કે તેમની પર તેમની માતાના 500 કરોડ અને પુત્ર અણમોલનું 310 કરોડ રૂપિયાનાં દેવાં છે. તેમણે એ પણ કહ્યું હતું કે તેમણે પાંચ અબજ રૂપિયા રિલાયન્સ ઇનોવેન્ચર્સને આપ્યા હતા. જોકે એ માટેના નિયમ અને શરતો તેમને યાદ નથી. જોકે હાલ તેમના રિલાયન્સ ઇનોવેન્ચર્સના 1.2 કરોડ શેરોની કોઈ વેલ્યુ નથી.

તેમણે કોર્ટને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2019થી એક જાન્યુઆરી, 2020ની વચ્ચે બેન્કોમાં જમા તેમની રકમ 40.2 લાખ રૂપિયાથી ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ ઉપરાંત કોર્ટને તેમણે કહ્યું હતું કે મારા ખર્ચ બહુ ઓછા છે. પત્ની અને પરિવાર મારો ખર્ચ ઉઠાવે છે. મારી જીવવાની પદ્ધતિ સાદી છે અને કોઈ આવક નથી. મારા કાનૂની ખર્ચ માટે મેં ઘરેણાં વેચીને રકમ એકત્ર કરી છે. જો હવે મારે વધુ ખર્ચ હશે તો કોર્ટથી મંજૂરી મળ્યા પછી હું મારી અન્ય સંપત્તિઓ વેચીશ.

આ સિવાય કોર્ટે તેમને તેમની પાસેની યોટ, ક્રેડિટ કાર્ડનાં બિલો અને અન્ય વિગતો વિશે સવાલો કર્યા હતા.