નવી દિલ્હી: હોળીના તહેવારમાં રંગીન કલરની સાથે પ્રેમનો રંગ ન ભળે તો બધી તૈયારીઓ નકામી છે. હોળીના તહેવારમાં તમારા પાર્ટનરને રંગે તો ચોક્કસ રંગવાનું જ…પણ કેમિકલવાળા કલરને બદલે તમે તમારા હાથે તૈયાર કરેલા કલરથી. આ કલરથી તેમની ત્વચા પણ નહીં બગડે અને હોળી પણ સુંદર રીતે ઉજવી શકશો.
હોળીમાં તમે કુદરતી રંગોથી તમારા પાર્ટનરને તરબોળ કરી શકો છો એ પણ કેમિકલયુક્ત કલરના ઉપયોગ વગર. આ માટે જરૂરી છે કે, તમે ઘરે જ કુદરતી કલર બનાવો…આ કલર બનાવવા ખૂબ જ સરળ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે રાસાયણિક કલરથી કેવી રીતે દૂર રહીને કુદરતી રંગ વડે હોળીની ઉજવણી કરવી.
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં તમે હોળીની તૈયારી શરૂ કરી પણ દીધી હશે. હોળી દરમ્યાન સૌથી મોટો ડર રાસાયણિક રંગોને કારણે ત્વચા અને વાળને થતાં નુકસાનની હોય છે. મોટાભાગના લોકો રંગોની આડઅસરના ડરને કારણે રંગોનો તહેવાર હોળીની ઉજવણી કરતા નથી. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો, તો આ સમય છે તમારી અંદરનો ડર દૂર કરવાનો. કારણ કે અમે તમારા માટે કુદરતી રંગો બનાવવાની અવનવી રીત લાવ્યા છીએ. તો જલ્દી તૈયાર થઈ જાવ…
જો તમે એવું માનતા હોવ કે લાંબા સમય સુધી ત્વચા પર ટકાવી રાખવા માટે ફક્ત રાસાયણિક રંગોની જ જરૂર હોય છે, તો પછી તમે સંપૂર્ણપણે ખોટા છો. કારણ કે કુદરતી રંગો પણ લાંબા સમય સુધી ટકી રહે છે. એના માટે તમારે બીટ અને કાચી હળદરની જરૂર છે.
બીટની પેસ્ટ અને હળદરની પેસ્ટ તમારા પ્રિયજનોને લાલ-પીળા રંગે રંગવા પૂરતા છે. આ રંગ તેમની ત્વચા પર લાંબા સમય સુધી રહેશે. એમાય વળી કાચી હળદરનો રંગ તો ઓછામાં ઓછું બે વાર સ્નાન કર્યા પછી જ શરીર પરથી ઉતરે છે. એટલે કે, તમારા પ્રિયજનોની ત્વચા બગડશે પણ નહીં અને રંગબેરંગી કલર વડે તમે આનંદ ઉલ્લાસથી હોળીનો તહેવાર ઉજવી શકશો.
આ ઉપરાંત જો તમારે કુદરતી કલર વડે જ હોળી રમવી હોય તો તમે ગાજર ને છીણીને અથવા તેનું જ્યૂસ બનાવીને આછા કપડાંમાં કે ચાળણીથી ચાળવું. જ્યૂસને પી જાવ અને બાકીનો પલ્પ છાંયોમાં સૂકવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને એક બારીક પાવડરમાં ક્રશ કરો અને તેમાં થોડી માત્રામાં ટેલ્કમ પાવડર ઉમેરો. બસ, તમારા પાર્ટનરને રંગે રંગવા તમારી પાસે તૈયાર છે કુદરતી ગુલાલ.
આ ઉપરાંત તમે પાલક અને મેથીને વાટીને લીલો રંગ તૈયાર કરી શકો છો. તમારા પાર્ટનરને ઓર્ગેનિક કલરથી રંગવા માટે આનાથી વધુ સારી તક બીજી નહીં મળે… તૈયાર પેસ્ટમાં થોડું પાણી ભેળવીને પાર્ટનરને લીલા રંગે રંગી દો.
ભીનો મરુન રંગ – આ રંગ માટે બીટનો છુંદો કરી એની પેસ્ટ તૈયાર કરી એને રંગની જેમ વાપરી શકાય. બીટનો જ્યૂસ બનાવી લિક્વિડ કલરની જેમ પણ રમી શકાય છે.
સફેદ ગુલાલ – સફેદ ગુલાલ ઘણા લોકો માટે હોળીમાં મહત્વનો હોય છે. પ્રાકૃતિક રંગમાં એ પણ ઉપલબ્ધ છે. માર્કેટમાંથી સફેદ ચંદન ખરીદી લાવે, એને ઝીણો વાટી દઈને એમાં ટેલકમ પાવડર મેળવી લઈએ એટલે સફેદ ગુલાલ તૈયાર.
લાલ રંગ – કેસુડાના ફૂલ ફેબ્રુઆરી માર્ચમાં સરળતાથી મળી રહે છે. એને સૂકવી દીધા પછી વાટીને એનો પાવડર બનાવી દઈ શકાય છે. આ ફૂલોને પાણીમાં ભીંજવી રાખીને પિચકારીમાં ભરી રમી શકાય.
ગુલાબી રંગ – પ્રાકૃતિક રીતે ગુલાબી રંગથી હોળી રમવી હોય તો ગુલાબોની પાંખડીઓ ભેગી કરી દેવી પડશે. ગુલાબ ખરીદી એને સૂકવી દઈ હોળીના એક દિવસ અગાઉ એને વાટી દઈ ચૂરો બનાવી દેવો. એ ચૂરાને પાણીમાં ભેળવી મજાથી હોળી રમાશે.
પીળા રંગ માટે ગેંદાના ફૂલ અને કાચી હળદરની જરૂર પડશે. કાચી હળદરને પાણીમાં ઉકાળી અને ગેંદાના ફૂલોને સૂકાવવા મૂકી દઈ પ્રાકૃતિક પીળા રંગની તમે લિજ્જત માણી શકશો.
ફૂલો સૂકવવા માટે પોલિથિન કે કપડાની થેલી ન વાપરવી એનાથી એમાં ફંગસ લાગી શકે છે. ફૂલોને કાગળ પર જ પાથરી સૂકવવા. એના પર દુપટ્ટા કે સાડી જેવા હલકા કપડા ઢાંકી દેવા. ફૂલોને છાયડામાં જ પ્રાકૃતિક રીતે સૂકાઈ જવા દેવા, એમને તડકામાં ન રાખવા.