નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા છે. અત્યારે તેઓ હરિયાણા ભવનમાં છે ત્યાં તેમની મુલાકાત એ 7 અપક્ષ ધારાસભ્યો સાથે થશે જેમણે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ તમામ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને હરિયાણાના પ્રભારી અનિલ જૈનને પણ મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર 5 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હોવાની વાત સામે આવી છે.
આમાં ગોપાલ કાંડા, ચોધરી રણજીત ચૌટાલા, રાકેશ દૌલતાબાદ, નયન પાલ, બલરાજ કુંડુનો સમાવેશ થાય છે. આ પૈકી બલરાજ કુંડૂ, નયનપાલ રાવત, સોમવીર સાંગવાન આ ત્રણેય લોકોએ ભાજપથી ટિકીટ ન મળવા પર ચૂંટણી પહેલા પાર્ટી છોડી હતી. આજે બપોર સુધીમાં બે અન્ય અપક્ષ ધારાસભ્યો જેપી નડ્ડા સાથે મુલાકાત કરવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી ગયા છે. અહીંયા તેમનો બે દિવસનો કાર્યક્રમ છે. હરિયાણામાં સરકાર બનાવવાની ઔપચારિકતાઓ પર ચર્ચા થશે. શક્ય છે કે આજે સાંજ સુધીમાં ખટ્ટર સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
તો કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું છે કે ઘણા અપક્ષ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અપક્ષ ધારાસભ્યો જનાદેશનું સન્માન કરે. જેજેપીને પણ મોડું ન કરવું જોઈએ. જે અપક્ષ ધારાસભ્યો ભાજપ તરફ જઈ રહ્યા છે તેઓ પોતાના માટે કુવો ખોદી રહ્યા છે, પોતાના વોટ વેચી રહ્યા છે. જે પણ સમર્થન કરશે, સરકારમાં જોડાશે તેમને જનતા માફ નહી કરે, ચંપલ મારશે.
આ તમામ ચર્ચાઓ વચ્ચે જેજેપીની બેઠક 2 વાગ્યે દિલ્હીમાં થવા જઈ રહી છે. જેમાં આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. આ પહેલા 11 વાગ્યે ધારાસભ્યોની બેઠક થઈ હતી. ત્યારબાદ સાંજે 4 વાગ્યાની આસપાસ દુષ્યંત ચૌટાલા પ્રેસ કોન્ફરન્સ કરશે.