લખનૌઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુરુવારે સીએમ યોગી આદિત્યનાથે તેમનાં 78માં જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યાં છે. સીએમ યોગી આદિત્યનાથે રાજભવન પહોંચીને રાજ્યપાલ આનંદીબેન પટેલને શ્રી રામચરિતમાનસની એક પ્રત ભેટ આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે નાણાં અને સંસદીય બાબતોના પ્રધાન સુરેશકુમાર ખન્ના પણ રાજ્યપાલ આનંદીબેન પટેલને અભિનંદન આપવા રાજભવન પહોંચ્યા હતાં.
ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 29 જુલાઈ, 2019 ના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદ સંભાળ્યું. બાળકો અને મહિલાઓ માટે ખૂબ જ સંવેદનશીલ, આનંદીબેનને ગુજરાતની આયર્ન લેડીનું બિરુદ પણ મળ્યું છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદ સંભાળતાં પહેલાં, તે મધ્ય પ્રદેશના રાજ્યપાલ હતાં. તેઓ 1998થી ગુજરાતના ધારાસભ્ય હતા. આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941 માં મહેસાણાના વિજાપુર તાલુકાના ખારોડ ગામે પાટીદાર પરિવારમાં થયો હતો. આનંદીબેન પટેલ તેના પિતાથી ખૂબ પ્રભાવિત હતા. તેમના આદર્શ પણ તેમના પિતા છે. જ્યારે કોઈ છોકરીઓને સ્કૂલમાં મોકલતાં ન હતાં, ત્યારે તેમની માતા હંમેશા તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. તેમની જેમ આનંદીબેન પણ કોઈમાં ભેદભાવ રાખતાં નથી.
તેમણે કન્યા વિદ્યાલયમાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે 700 છોકરાઓમાં તે એક છોકરી હતાં. તેમને શાળાના શિક્ષણ દરમિયાન એથ્લેટિક્સમાં નોંધપાત્ર સિધ્ધિ માટે વીર બાલા એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. વર્ષ 1960માં તે વિસનગરની પિલવાઈ કોલેજમાં જોડાયાં, જ્યાં આખી કોલેજમાં પ્રથમ વર્ષ વિજ્ઞાનની એકમાત્ર વિદ્યાર્થિની હતાં. તેમણે અહીંથી સ્નાતક પૂર્ણ કરી પછી મહિલા વિકાસ ગૃહમાં જોડાયાં અને મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. આ તેમની પ્રથમ નોકરી હતી. અહીં તેમણે 50થી વધુ વિધવાઓ માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કર્યા.
આનંદીબેન પટેલ તેમના પતિ મફતલાલ પટેલ સાથે 1965માં અમદાવાદ સ્થળાંતરિત થયા, જ્યાં તેમણે વિજ્ઞાન સાથે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. શિક્ષણ પ્રત્યેની રુચિને કારણે, તેમણે એમ.એડ. પણ પૂર્ણ કર્યું અને 1970માં, પ્રાથમિક શિક્ષક તરીકે અમદાવાદના મોહિનાબા કન્યા વિદ્યાલયમાં અધ્યાપન કાર્યમાં વ્યસ્ત થયાં. તે આ શાળાની પૂર્વ આચાર્ય રહી ચૂક્યાં છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલનું પદ સંભાળ્યા ત્યારથી, તેઓ બાળકોવાળી મહિલાઓ વિશે ખૂબ જાગૃત છે. તેમનું ધ્યાન બાળ આશ્રય અને મહિલા કલ્યાણ પર છે. આ સાથે તેઓએ કેટલાક સમય માટે રાજભવનને જાહેર જનતા માટે ખોલવાનો નિર્ણય પણ લીધો છે. હવે લોકો સવારસાંજ રાજભવન જાય છે.