નવી દિલ્હીઃ શાહીનબાગમાં બુધવારના રોજ એક બિનમુસ્લિમ યુવતીએ બુરખો પહેરીને વિડીયો બનાવ્યો તે મામલે વાતાવરણ તંગ બન્યું હતું. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ યુવતીને ઘેરી લીધી હતી. પોલીસે કોઈપણ રીતે ત્યાં વચ્ચે જઈને યુવતીને પ્રદર્શનકર્તાઓ વચ્ચેથી બહાર કાઢી હતી. પાછળથી બહાર આવ્યું કે, વિડીયો બનાવી રહેલી યુવતી ગુંજા કપૂર છે. પોલીસે ગુંજા કપૂરની અટકાયત કરી છે.
ગુંજા કપૂર યૂ-ટ્યૂબ પર પોતાના વિડીયોને લઈને ખૂબ પ્રસિદ્ધ રહી છે. આટલું જ નહી પરંતુ વડાપ્રધાન મોદી પણ ટ્વીટર પર તેમને ફોલો કરે છે.
પ્રદર્શન કરી રહેલા લોકોનો આરોપ હતો કે ગુંજા કપૂર ભાજપના ઈશારા પર બુરખો પહેરીને પ્રદર્શનનો વિડીયો બનાવી રહી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં શાહીનબાગમાં ઉપસ્થિત પ્રદર્શનકારી મહિલાએ ગુંજનને ઘેરીને બેઠી છે અને તેમને પ્રશ્નો પૂછી રહી છે.
આ ઘટનાનો અન્ય એક વિડીયો પણ વાયરલ છે. જેમાં શાહીનબાગમાં ઉપસ્થિત ભીડ મહિલા પર તૂટી પડતી હોય તેવું કંઈક દેખાઈ રહ્યું છે. પોલીસ આમાં મહિલાનો બચાવ કરવા માટે વચ્ચે આવે છે, પરંતુ લોકો તેમનો વિરોધ કરે છે. બાદમાં પોલીસ ગુંજન કપૂરને કોઈપણ પ્રકારે બચાવીને લોકો વચ્ચેથી અલગ લઈ જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંજા કપૂર ત્યાં ખૂબ વધારે પ્રશ્નો પૂછવા લાગી અને તેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોને શંકા ગઈ અને મહિલાઓએ તેમને પકડી લીધા. બાદમાં બુરખો દૂર કરીને તે લોકોએ તપાસ કરી તો કેમેરો મળી આવ્યો અને બાદમાં ત્યાં ઉપસ્થિત લોકોએ ગુંજા કપૂરને ઘેરી લીધા.પોલીસ તરત જ ત્યાં પહોંચી અને તેમને ત્યાંથી બચાવીને લઈ ગઈ.