નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રૂ. 6 લાખ કરોડની મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP)ની જાહેરાત કરી દીધી છે. આ યોજના અંતર્ગત સરકાર દેશભરમાં માળખાકીય ક્ષેત્રોના વિકાસ માટે ખાનગી કંપનીઓને સામેલ કરશે. પેસેન્જર ટ્રેનો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ, રસ્તાઓ, સ્ટેડિયમોના વિકાસ માટે ખાનગી કંપનીઓને ઈન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ અપાશે.
સરકારે 400 રેલવે સ્ટેશનો, 90 પેસેન્જર ટ્રેનો, રેલવેના અનેક સ્પોર્ટ્સ સ્ટેડિયમો અને કોલોનીઓ ઉપરાંત કોંકણ તેમજ માઉન્ટેન રેલવેની પણ આ માટે ઓળખ કરી લીધી છે. નાણાકીય વર્ષ 2025 સુધીના ચાર વર્ષોમાં રેલવેની બ્રાઉનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર્ટીઝનું મોનેટાઈઝેશન કરીને રૂ. 1.52 લાખ કરોડની કમાણી કરવાનો સરકારનો હેતુ છે. બ્રાઉનફિલ્ડ સંપત્તિઓનો અર્થ એટલે એવી સંપત્તિ જે હાલ ઉપયોગમાં નથી અને એમનો વિકાસ કરવો જરૂરી છે. કેન્દ્ર સરકારની આ યોજનામાં રેલવેની સંપત્તિનું યોગદાન 26 ટકા રહેશે.