ઈન્ડિયા પ્લે-સ્ટોરમાંથી ગૂગલે લોનવાળી 2,000 એપ્સ હટાવી

મુંબઈઃ શરતોનું ઉલ્લંઘન કરવા બદલ, ખોટી માહિતી આપવા બદલ અને ઓફ્ફલાઈન શંકાસ્પદ વ્યવહાર બદલ ગૂગલ કંપનીએ આ વર્ષના જાન્યુઆરી મહિનાથી ઈન્ડિયા પ્લે સ્ટોરમાંથી એવી 2000થી વધારે એપ્લિકેશન હટાવી દીધી છે જેઓ જુદી જુદી બેન્કો દ્વારા લોન આપવા વિશે ખોટી માહિતી આપતી હતી.

ટેક્નોલોજી ક્ષેત્રની જાગતિક સ્તરની અગ્રગણ્ય કંપની ગૂગલ આવનારા અઠવાડિયાઓમાં લોન એપ્સના મામલે તેના નિયમો-શરતોને વધારે કડક બનાવવાની છે. ગૂગલ APAC (એશિયા-પેસિફિક રીજન)ના વિશ્વાસ અને સુરક્ષા વિભાગના વડા અને સિનિયર ડાયરેક્ટર સૈકાત મિત્રાએ કહ્યું છે કે નવા નિયમન અને સરકારી નીતિઓની વાત આવે ત્યારે અમે સરકાર અને ઉદ્યોગક્ષેત્ર સાથે ખૂબ નિકટ રહીને કામ કરીએ છીએ.