પુણેઃ બજાજ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને બિઝનેસમેન રાહુલ બજાજનું શનિવારે નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે પુણેમાં અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. બજાજને 2001માં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોલકાતામાં મારવાડી બિઝનેસમેન કમલનયન બજાજ અને સાવિત્રી બજાજના ઘર 10 જૂને, 1938એ રાહુલ બજાજનો જન્મ થયો હતો. વર્ષ 1996માં રાહુલ બજાજે બજાજ ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. તેમની આગેવાની બજાજ સ્કૂટર વેચનારી દેશની અગ્રણી કંપની બની ગઈ હતી. બજાજ ઓટોનું ટર્નઓવર રૂ. 7.2 કરોડથી રૂ. 12,000 કરોડ સુધી પહોંચ્યું હતું. તેમને ન્યુમોનિયા થયો હતો અને હ્દયની બીમારી હતી. તેમને એક મહિના પહેલાં રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે બપોરે 2.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
બજાજ ગ્રુપ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યો હતો કે અત્યંત દુઃખ સાથે સૂચિત કરવામાં આવે છે કે સ્વ. રૂપા બજાજના પતિ અને રાજીવ, દીપા, સંજીવ, શેફાલી અને સુનૈના અને મનીષના પિતા રાહુલ બજાજનું નિધન થયું છે.
બજાજે 1958માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટિફન્સ કોલેજથી ઇકોનોમિક ઓનર્સ ડિગ્રીની સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. આ સિવાય બજાજની પાસે બોમ્બે યુનિવર્સિટીથી કાનૂનની ડિગ્રી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી MBA પણ હતા. તેમણે 1968માં બજાજ ઓટોના CEO બન્યા હતા અને 1972માં MDના પદે નિયુક્ત થયા હતા. તેમણે 1979થી 1980 સુધી CIIના અધ્યક્ષ અને SIAMના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું.