મુંબઈ – સોશિયલ મિડિયા ક્ષેત્રની અગ્રગણ્ય ફેસબુકે 11 હજારથી વધુ જાહેરખબરો કાઢી નાખી છે જે ‘હેલો’ (Helo) નામની એક ચાઈનીઝ એપ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજકીય પક્ષો, એમના ઉમેદવારોનો પ્રચાર કરતી જાહેરખબરોને પ્રકાશિત કરવા સામે ચૂંટણી પંચે આપેલી ચેતવણીને પગલે ફેસબુકે આ પગલું ભર્યું છે.
Helo બાઈટડાન્સ કંપનીની માલિકીની છે. આ જ કંપની વિવાદાસ્પદ વિડિયો-શેરિંગ એપ ‘ટિકટોક’ (TikTok) પણ ધરાવે છે.
ફેસબુકે 11,000 જાહેરખબરો એટલા માટે કાઢી નાખી છે કે તે રાજકીય નેતાઓ, ભારતના રાજકારણ અને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ ધરાવતા પ્રશ્નોને લગતી હતી.
ફેસબુકે ચાઈનીઝ હેલો ઉપરાંત બીજી કેટલીક કંપનીઓની જાહેરખબરો/પોસ્ટ્સને પણ રદ કરી છે. આમાં, વિગો વિડિયોની 49 એડ, શેરચેટની સાત એડનો સમાવેશ થાય છે. વિગો વિડિયોની માલિક બાઈટડાન્સ જ છે. શેરચેટ એ ચાઈનીઝ હેલોની સીધી હરીફ છે.
કહેવાય છે કે આ 11,000 જાહેરખબરો માટે આશરે રૂ. 7.7 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી.
આ જાણકારી ફેસબુક એડ લાઈબ્રેરી તરફથી જાણવા મળી છે.
ફેસબુક સહિત સોશિયલ મિડિયા કંપનીઓ ચૂંટણી સંબંધિત વાંધાજનક સામગ્રીઓ ઉપરાંત ફેક ન્યૂઝની સમસ્યાથી પણ પરેશાન છે. ચૂંટણી પંચે કરેલી તાકીદને પગલે આ કંપનીઓ સતર્ક છે.
મતદારોને ચોક્કસ પાર્ટી કે ઉમેદવારને વોટ આપવા માટે આકર્ષિત કરે એવી જાહેરખબરો કે પોસ્ટ દર્શાવવા સામે ચૂંટણી પંચે ચેતવણી આપી છે. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણી પૂર્વે ફેસબુક, ટ્વિટર પર ચાંપતી નજર રાખે.