નવી દિલ્હી – ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી વિશે ‘ભ્રષ્ટાચારી નંબર-1’ કમેન્ટના મામલે ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.
મોદીએ રાજીવ વિશે ઉક્ત કમેન્ટ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ફરિયાદ કરી હતી કે મોદીએ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.
ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે આ ફરિયાદમાં જે ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એનાથી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે કે નહીં તે વિશે અમે અભ્યાસ કર્યો હતો. પ્રાથમિક રીતે, અમને આમાં આચારસંહિતાના ભંગ જેવું કશું જણાયું નથી તેથી ચૂંટણી પંચના આદેશને પગલે આ કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
ગઈ 6 મેએ કોંગ્રેસના સિનિયર નેતાઓ અભિષેક મનુ સિંઘવી, રાજીવ શુક્લા અને સલમાન ખુર્શીદ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને મોદીએ રાજીવ ગાંધી વિશે કરેલા નિવેદન સામે એમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગઈ 4 મેએ ઉત્તર પ્રદેશમાંની એક ચૂંટણી રેલીમાં, મોદીએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા એમ કહ્યું હતું કે, તમારા પિતાને એમના જી-હજુરીયાઓ ‘મિસ્ટર ક્લીન’ કહેતા રહ્યા હતા, પણ એમનું જીવન ‘ભ્રષ્ટાચાર નંબર-1’ તરીકે સમાપ્ત થયું હતું.