પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રુદ્રપ્રયાગને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ

રુદ્રપ્રયાગઃ કેદારનાથ યાત્રા દરમ્યાન પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ડિજિટલ ડિપોઝિટ રિફંડ સિસ્ટમ માટે રુદ્રપ્રયાગ જિલ્લાને વર્ષ 2022નો રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડસ હેઠળ સિલ્વર મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. આગામી વર્ષે સાત જાન્યુઆરીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ જિલ્લાને પુરસ્તાર સ્વરૂપે સિલ્વર મેડલ આપશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય સ્તરે અલગ-અલગ શ્રેણીમાં આ હરીફાઈ આયોજિત કરવામાં આવે છે, એમ જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રુદ્રપ્રયાગ જિલ્લાને ડિજિટલ ડિપોઝિટ રિફંડ સિસ્ટમ હેઠળ નોમિનેશન કરવામાં આવ્યું છે. જે પછી રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડસ-2022 માટે જિલ્લાની પસંદગી થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યો છે.

યાત્રાધામના માર્ગમાં લાખ્ખો શ્રદ્ધાળુઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી પાણીની બોટલો, કોલ્ડ ડ્રિન્ક સહિત અન્ય પ્લાસ્ટિક સામગ્રીનો નિકાલ કરવો એ એક મોટો પડકાર છે. રિસાઇકલ સંસ્થાની સાથે મળીને પહેલા તબક્કામાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે કેદારનાથ યાત્રા માર્ગ, બીજા તબક્કામાં ચોપતા-તુંગનાથ અને દેવરિયાતાલ માર્ગ પર ક્યુઆર કોડ વ્યવસ્થાને લાગ કરવામાં આવી છે.

આ વર્ષે પાણીની બોટલો પર ક્યુઆર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, જ્યારે કોલ્ડ ડ્રિન્કની બોટલો પર પણ એને લાગુ કરવામાં આવ્યો છે. દરેક ક્યુઆર કોડ લાગેલી બોટલોના વેચાણ પર રૂ. 10 વધારાના કરવામાં આવે છે. પ્રત્યેક બોટલને કલેક્શન સેન્ટરમાં જમા કરવા પર રૂ. 10 પરત કરવામાં આવ્યા હતા.