નવી દિલ્હી – આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં દિલ્હીની તમામ બેઠકોનાં મતદારોએ ભાગ લીધો હતો. એમાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી અને પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રા પણ સામેલ હતા.
રોબર્ટ વાડ્રાએ અન્ય ઘણા મતદારોની જેમ મતદાન કર્યા બાદ એમની શાહીવાળી આંગળી બતાવતો ફોટો પડાવ્યો હતો અને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો, પણ એમાં તેમણે ગંભીર ભૂલ એ કરી હતી કે ભારતને બદલે એમણે પેરાગ્વેના રાષ્ટ્રધ્વજનું આઈકોન બતાવ્યું હતું.
ભારત અને પેરાગ્વેનો રાષ્ટ્રીય ધ્વજ દેખાવમાં ઘણો અલગ છે.
રોબર્ટ વાડ્રા દેખીતી રીતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા માગતા હતા, પણ ધ્વજને દર્શાવવામાં એમણે કરેલી ભૂલ બદલ ઈન્ટરનેટ પર લોકોએ એમની ખૂબ મજાક ઉડાવી હતી.
વાડ્રાએ ટ્વીટ કર્યું કે અમુક જ સેકંડમાં લોકોએ એમની ભૂલને પકડી પાડી હતી અને એમની ઝાટકણી કાઢી હતી. એક જણે કમેન્ટ કરી હતી કે રોબર્ટ વાડ્રાએ શું પેરાગ્વેમાં મતદાન કર્યું છે?
વાડ્રાનું ટ્વીટ જોકે એમના ટ્વીટર ફીડ પર ઓછામાં ઓછા ચાર કલાક સુધી રહ્યું હતું અને બાદમાં એને કાઢી નાખવામાં આવ્યું હતું. નવા ટ્વીટમાં એમણે ભારતનો ધ્વજ બતાવ્યો હતો.