અયોધ્યામાં શ્રદ્ધાળુઓ 2023ના અંતમાં રામલલાની પૂજા કરી શકશે

અયોધ્યાઃ અયોધ્યામાં વર્ષ 2023ના અંત સુધી રામ મંદિર ભક્તો માટે રામ લલાની પૂજા માટે ખૂલી જશે. સંપૂર્ણ 70 એકર કેમ્પસનું કામ 2025ના અંત સુધી પૂરું કરી લેવામાં આવશે, એમ પ્રોજેક્ટની દેખરેખ કરતા ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું હતું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 15 સભ્યોએ એન્જિનિયરો અને આર્કિટેક્ટની સાથે મુલાકાત કરી હતી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે 2023ના અંત સુધી રામલલાના દર્શન કરવા માટે ભક્તો માટે રામ મંદિરનું ગર્ભગૃહ ખોલી દેવામાં આવશે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશ કેબિનેટે અયોધ્યામાં વિશ્વ સ્તરીય બસ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે 70 એકરમાં ફેલાયેલા ટેમ્પલ કોમ્પેલેક્સનું બાંધકામ કાર્ય પણ 2025 સુધી પૂરું કરી લેવામાં આવશે, જે પછી મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.

આ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા પણ હશે, જેથી કેમ્પસમાં એકત્રિત પાણી મંદિરની બહાર નાળામાં જામ ન થાય. આ કોમ્પ્લેક્સમાં જે વૃક્ષો છે, એનું જતન કરવામાં આવશે, જેથી ભક્તોને કુદરતી ઠંડકતાનો અનુભવ થાય, એમ રાયે કહ્યું હતું. આ વર્ષે પાંચ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજનને એક વર્ષ પૂરું થતું હોઈ મિડિયા યાત્રાની યોજના બનાવવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં મ્યુઝિયમ, રિસર્ચ સેન્ટર, રેકોર્ડ રૂમ, ઓડિટોરિયમ, પ્રવાસીઓ માટેનું કેન્દ્ર વહીવટી બિલ્ડિંગ ગૌશાળા અને એક યજ્ઞશાળા પણ હશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]