દિલ્હી પોલીસે જપ્ત કર્યું રૂ. 2000 કરોડનું 500 કિલો કોકેન

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ડ્રગ્સની એક બહુ મોટી ખેપ જપ્ત કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લગભગ રૂ. 2000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે લગભગ 565 કિલોથી વધુ કોકેન ઝડપ્યું છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીમાં એક દરોડા પાડ્યા હતા, જેમાં જપ્ત કરવામાં આવેલા આ ડ્રગ્સની કિંમત રૂ. 2000 કરોડ આંકવામાં આવી રહી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલિવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ-કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના ઉત્તર શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. પોલીસ આ માહિતી હાંસલ કરી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસની આ મોટી સફળતા માનવામાં આવે છે. આ દિલ્હીમાં કોકેનનું અત્યાર સુધી સૌથી મોટું સીઝર છે. કોકેન હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં ઉપયોગમાં લેવાનારું ડ્રગ્સ છે.

દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા રૂ. 1.14 કરોડના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કરયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્ર પ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને NCRમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-NCRમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.