નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાની આક્રમણશક્તિને મજબૂત કરવાના ઈરાદા સાથે સંરક્ષણ મંત્રાલયે આશરે 2000 કરોડ રૂપિયાના ખર્ચે 100 ટોર્પેડો મિસાઈલ્સ(જહાજ કે સબમરિનમાંથી ફાયર કરી શકાય એવી મિસાઈલ્સ) ખરીદવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં બની રહેલી છ સ્કૉર્પિયન ક્લાસની સબમરિન્સમાં આ મિસાઈલ્સનો સમાવેશ કરવામાં આવશે.
સ્કૉર્પિયન ક્લાસ સબમરિન્સને હવે કલવરી ક્લાસ નામ આપવામાં આવ્યું છે. આ ક્લાસની છમાંથી પહેલી બોટ ‘આઈએનએસ કલવરી’ નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. બાકીની પાંચ બોટ પણ આવનારાં પાંચ વર્ષમાં સામેલ થઈ જશે, જ્યારે બીજી બૉટ આવનારા મહિનાઓમાં જ સામેલ થવાની શક્યતા છે.
અત્યારના ટેન્ડર પ્રમાણે તાજેતરની જરૂરતો માટે વિદેશથી ટોર્પેડો મેળવી લેવામાં આવશે અને લાંબા ગાળાની જરૂરત ‘મેઈડ ઈન ઈન્ડિયા’ સિદ્ધાંત દ્વારા પૂરી કરવામાં આવશે.
ફ્રાન્સ, સ્વીડન, રશિયા અને જર્મનીના વૈશ્વિક મેન્યુફેક્ચરર્સને આ માટે ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. અગાઉ ઈટાલીની કંપનીને આ કૉન્ટ્રેક્ટ માટે પસંદ કરવામાં આવી હતી, પણ વીવીઆઈપી ચૉપર કૌંભાડમાં સંડોવાયેલા ગ્રુપ સાથે સંડોવાયેલી હોવાથી એ કંપની સાથેનો કરાર કેન્સલ કરવામાં આવ્યો હતો.